નવી દિલ્હી:  કાતિલ ઠંડી  અને ધુમ્મસની લાંબી અસર બાદ આખરે હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગે સોમવાર (26 ફેબ્રુઆરી)થી મધ્ય ભારતના રાજ્યોમાં ફેરફારની આગાહી કરી છે.  દેશની રાજધાની દિલ્હી NCRમાં આકાશ વાદળછાયું છે અને સોમવાર અને મંગળવારે હળવો વરસાદ પડી શકે છે. જો કે રાત્રિના સમયે પણ હળવી ઠંડી ચાલુ રહેશે. મધ્ય ભારતના રાજ્યોમાં 26 અને 27 ફેબ્રુઆરીએ વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય 29 ફેબ્રુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે, જેના કારણે 1 માર્ચથી 4 માર્ચ સુધી વરસાદ પડશે.


અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સિવાય ઓડિશામાં પણ ભારે વરસાદ થયો છે. જેના કારણે વાતાવરણમાં હળવી ઠંડી વધી છે.  નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થયો છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થશે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ સિવાય અરુણાચલ પ્રદેશમાં આગામી છથી સાત દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ 25, 28 અને 29 ફેબ્રુઆરીએ વરસાદ થવાનો છે.


છત્તીસગઢ, વિદર્ભમાં 25 ફેબ્રુઆરીએ, મરાઠવાડા, તેલંગાણામાં 25 અને 26 ફેબ્રુઆરીએ,  પશ્ચિમ બંગાળમાં 25 અને 27 ફેબ્રુઆરીએ, બિહારમાં 27 ફેબ્રુઆરીએ, ઝારખંડમાં 27 ફેબ્રુઆરીએ વરસાદ અને કરા પડવાના છે. આ સિવાય પૂર્વ મધ્ય પ્રદેશમાં 26-28 ફેબ્રુઆરીએ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 27 ફેબ્રુઆરીએ વરસાદ અને કરા પડવાની છે. છત્તીસગઢમાં પણ કરા અને વરસાદ પડશે.  


ગુજરાતમાં હાલ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો લાગે છે, જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે હાલ ઠંડીની વિદાયનો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે આગામી ચાર-પાંચ દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી છે. રાજ્યમાં તાપમાન અને વરસાદની શક્યતા અંગે હવામાન વિભાગે માહિતી આપી હતી.  હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં 24 કલાક વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ વધારો નહીં થાય.