IMD Weather Update: દેશભરમાં હવામાનનો મિજાજ એકાએક બદલાઈ ગયો છે. કુદરત જાણે બેવડી ઋતુનો અનુભવ કરાવી રહી છે. એક તરફ ઉત્તર ભારત કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ (Dense Fog) ની ચાદરમાં લપેટાયેલું છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલા તાજા બુલેટિન મુજબ, આગામી થોડા દિવસો દેશના અનેક રાજ્યો માટે ભારે રેહવાના છે.
દક્ષિણ ભારતમાં જળબંબાકારની ભીતિ
બંગાળની ખાડીમાં સર્જાયેલા 'ડીપ ડિપ્રેશન' (Deep Depression) ને કારણે દક્ષિણના રાજ્યોમાં વાતાવરણ ડહોળાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે. ખાસ કરીને તમિલનાડુ માટે તંત્ર એલર્ટ મોડ પર છે. 11 થી 13 જાન્યુઆરી દરમિયાન તમિલનાડુના ચેન્નાઈ, પુડુચેરી, નાગપટ્ટિનમ, કાંચીપુરમ અને તંજાવુર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમાં 'કોલ્ડ ડે' અને વિઝિબિલિટી ઝીરો
બીજી તરફ, ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શિયાળો આકરો બન્યો છે. 11 થી 15 જાન્યુઆરી સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં તીવ્ર શીત લહેર (Cold Wave) ફરી વળશે. અનેક વિસ્તારોમાં દિવસનું તાપમાન એટલું નીચું જશે કે 'કોલ્ડ ડે' જેવી સ્થિતિ સર્જાશે. વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા (Visibility) ઘટતા વાહનવ્યવહાર પર માઠી અસર પડી રહી છે. રેલવે અને હવાઈ સેવાઓ પર પણ બ્રેક વાગી શકે છે, જેથી મુસાફરોને સાવચેત રહેવા જણાવાયું છે.
દિલ્હીમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ
રાજધાની દિલ્હી અને NCR માં નાગરિકો બેવડા મારનો સામનો કરી રહ્યા છે. અહીં તાપમાનનો પારો ગગડીને 5 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. બીજી તરફ, હવાનું પ્રદૂષણ (Air Pollution) ભયજનક સપાટીએ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ડેટા મુજબ, આનંદ વિહાર અને ચાંદની ચોક જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ને પાર પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે 'ગંભીર' શ્રેણીમાં આવે છે.
પહાડોમાં બરફ વર્ષા, મેદાનોમાં ધ્રુજારી
પહાડી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષા (Snowfall) થઈ રહી છે. શ્રીનગર, ગુલમર્ગ અને લાહૌલ-સ્પિતિમાં તાપમાન માઈનસમાં છે. આ પહાડી વિસ્તારો પરથી આવતા ઠંડા પવનોએ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડી વધારી દીધી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બિહારના 15 જિલ્લાઓમાં યલો એલર્ટ અને 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપીને તંત્રને ખડેપગે રહેવા સૂચના અપાઈ છે.