Army Helicopter Crash: અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે શુક્રવારે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સિંગિંગ પાસે 'એચએએલ રુદ્ર' ક્રેશ થયા બાદ શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં પાંચ લોકો સવાર હતા. જેમાં બે પાયલટ અને અન્ય ત્રણ હતા. આ અકસ્માત ટુટિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર થયો હતો. અકસ્માત સ્થળ રોડ દ્વારા જોડાયેલ નથી, જેના કારણે બચાવ ટીમોને શોધ અને બચાવ કામગીરી હાથ ધરવી મુશ્કેલ બને છે.


રુદ્ર એ ભારતીય સેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત એટેક હેલિકોપ્ટર છે. તે ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) નું વેપન સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ (WSI) Mk-IV વેરિઅન્ટ છે. ANI દ્વારા સંરક્ષણ પીઆરઓને ટાંકવામાં આવ્યું હતું કે, "આજે અપર સિયાંગ જિલ્લામાં તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ નજીક એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટના સ્થળ રસ્તાથી જોડાયેલ નથી, બચાવ ટીમો મોકલવામાં આવી છે. વધુ વિગતોની જરૂર રાહ જોઈએ છીએ."


આવી જ ઘટના મહિનાની શરૂઆતમાં બની હતી


આ મહિનાની શરૂઆતમાં પણ ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના તમાંગ પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટર 'ચિતા'માં સવાર એક પાયલટનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો.


એક પાયલોટનું મોત


"તવાંગ નજીકના ફોરવર્ડ એરિયામાં ઉડતું આર્મી એવિએશન ચિતા હેલિકોપ્ટર 05 ઓક્ટોબરના રોજ સવારે 10:00 વાગ્યે નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. બંને પાઈલટને નજીકની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક પાઈલટનું મૃત્યુ થયું હતું."