નવી દિલ્હી: ભારતીય સેનાએ પોતાના અધિકારીઓ અને જવાનો માટે સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગને લઈ ગુરુવારે (25 ડિસેમ્બર, 2025) એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી નીતિ હેઠળ હવેથી ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ચોક્કસ શરતો સાથે પરવાનગી આપવામાં આવી છે. આર્મી અધિકારીઓ અને સૈનિકો હવે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત જોવા અને દેખરેખ રાખવા માટે જ કરી શકશે. આ સાથે વધુમાં, લશ્કરી કર્મચારીઓને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરવાની અથવા તેમના મંતવ્યો પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મેસેજિંગ એપ્લિકેશનોના ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
સૈનિકોને સોશિયલ મીડિયાને લઈ શું નિર્દેશ મળ્યા ?
નવી ગાઈડલાઈનમાં સ્કાયપે, વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્લિકેશનોના ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. સેનાએ જણાવ્યું છે કે આ એપ્લિકેશનો દ્વારા ફક્ત સામાન્ય, અવર્ગીકૃત માહિતીની આપ-લે કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમાં એ પણ શરત મૂકવામાં આવી છે કે કોઈપણ માહિતી ફક્ત જાણીતા વ્યક્તિઓ સાથે જ શેર કરવામાં આવશે. વધુમાં, વપરાશકર્તા (મોકલનાર) તે વ્યક્તિની સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે જેને કોઈપણ માહિતી મોકલવામાં આવે છે.
યૂટ્યૂબથી માહિતી મેળવવા પરવાનગી આપી
જ્યારે ભારતીય સેના તરફથી YouTube, X, Quora અને Instagram જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરવાની મંજૂરી માત્ર પૈસિવ પાર્ટિસિપેશન માટે આપવામાં આવી છે. જેનાથી કોઈપણ પ્રકારની જાણકારીઓ પ્રાપ્ત કરી શકાય. આ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ વપરાશકર્તા-જનરેટેડ કન્ટેન્ટ, સંદેશાઓ અથવા પોસ્ટ અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
LinkedIn ના ઉપયોગને લઈ ભારતીય સેનાએ આપી છૂટછાટ
ભારતીય સેનાએ LinkedIn ના ઉપયોગ અંગે પણ છૂટછાટો આપી છે. સેનાએ જણાવ્યું છે કે નેટવર્કિંગ પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત રિઝ્યુમ અપલોડ કરવા અને સંભવિત કર્મચારીઓ અથવા નોકરીદાતાઓ વિશે માહિતી મેળવવા માટે જ થઈ શકે છે.