નવી દિલ્હીઃ કોરોના વાયરસને અટકાવવા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં 50 દિવસ સુધી બંધ રહેલી રેલવેની સેવા આજથી ફરી શરૂ થઈ છે. હાલ 15 ટ્રેન દોડાવવામાં આવશે. કોરોના ખતરાને જોતા રેલવેએ સ્પેશિયલ ટ્રેનથી યાત્રા કરનારા મુસાફરો માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત કરી દીધા છે.

રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું, આજથી શરૂ થતી સ્પેશિયલ ટ્રેન દ્વારા યાત્રા કરી રહેલા લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે. જો નહીં હોય તો પહેલા ડાઉનલોડ કરાવવામાં આવશે અને બાદમાં જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.


સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રી મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઔપચારિક સંદેશમાં તેને ફરજિયાત બનાવી દીધી. કોવિડ-19 સંક્રમણની વધારે માત્રાવાળા વિસ્તારમાં આ એપ ડાઉનલોડ કરવી જરૂરી ગણાવી છે.

આરોગ્ય સેતુ એપને કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સંબંધિત જાણકારી આપવા લોન્ચ કરી છે. આ એપ અત્યાર સુધીમાં 9.8 કરોડ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. જો એપના યૂઝર્સ કોઈ સંક્રમિત વ્યક્તિની નજીક આવે તો એપ યૂઝર્સને એલર્ટ કરે છે.

રેલ મંત્રાલય તથા આરપીએફે જાહેર કરેલા દિશા નિર્દેશમાં યાત્રીઓને લઈ કહ્યું હતું ટ્રેન પકડવા માટે ઓછામાં ઓછી 90 મિનિટ પહેલા પહોંચવું પડશે. યાત્રીઓની કન્ફર્મ ઈ ટિકિટ જ સ્ટેશન સુધી પહોંચવા તથા સ્ટેશનમાં દાખલ થવાનો પાસ માનવામાં આવશે.