નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ અને તણાવ વચ્ચે સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. આ વખતે નિર્ણય રેલવે મંત્રાલયે લીધો છે. રેલવે ઉપક્રમ ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર કોર્પોરેશન લિમિટેડે ચીની ફર્મ બીજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કૉમ્યૂનિકેશન કંપની લિમિટેડ સાથે ચાલી રહેલા કોન્ટ્રાક્ટને રદ્દ કરી દીધો છે.


ઉલ્લેખનીય છે કે, આ ચીની કંપનીને કાનપુરથી દીન દયાલ ઉપાધ્યાય રેલવે સેક્શન વચ્ચે 417 કિલોમીટર સુધી સેક્શનમાં સિગ્નલિંગ અને ટેલીકૉમનું કામ આપવામાં આવ્યું હતું. આ કામ 417 કરોડ રૂપિયાનું હતું. જૂન 2016માં આ કામ ચીની ફર્મને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ રેલવે મુજબ, કોન્ટ્રાક્ટ આપ્યાના 4 વર્ષ બાદ પણ અત્યાર સુધીમાં માત્ર 20 ટકા કામ ચીની કંપની કરી શકી છે. કામ ખૂબ જ ધીમી ગતિથી કરવામાં આવી રહ્યું હતું.

કાલે એટલે કે 17 જૂને પ્રધાનમંત્રી મોદીએ ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે ચીનની દગાબાગી અને કાયરતાની કિંમત તેણે ચૂકવવી પડશે. ત્યારબાદ સૌથી પહેલા સંચાર મંત્રાલયે ચીની કંપનીઓ સાથે જોડાયેલા ઉપકરણોના ઉપયોગ પર ન માત્ર રોક લગાવી પરંતુ ચીની કંપનીઓને મળતા ટેન્ડર પણ રદ્દ કરવાના નિર્દેશ જાહેર કર્યા છે. આ સિવાય પ્રાઈવેટ સર્વિસ પ્રોવાઈડર્સને પણ ચીની ઉપકરણોને ઉપયોગમાંથી હટાવવા આદેશ આપવામાં આવ્યા છે. બે ચીની કંપનીઓને ખાસ કરીને નિશાના પર લેવામાં આવી છે. તેની પાછળનું કારણ, આ કંપનીઓના માધ્યમથી ડેટા ચોરી અને જાસુસીના આરોપ પણ લગાવવાનું માનવામાં આવે છે.

હવે રેલવેએ પણ ચીની કંપનીના 471 કરોડના કરારને રદ્દ કર્યો છે. રેલવેના આ નિર્ણયને ભારત-ચીન વચ્ચે વધી રહેલા તણાવ સાથે જોડીને જોવામાં આવે છે. ખૂબ જ ધીમી ગતિથી કામ કરવામાં આવી રહ્યું હતું. કોર્પોરેશન તરફથી જવાબ માંગવા પર સંતોષકારક જવાબ નહોતો મળી રહ્યો. તેના પર રેલવે કાર્યવાહી કરતા ચીની ફર્મનો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો છે. પરંતુ રેલવેએ કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનું કારણ, ચીની ફર્મની લાપરવાહીનું કારણ જણાવ્યું છે.