AMCA Programme: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે (27 મે, 2025) એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) કાર્યક્રમને મંજૂરી આપી હતી. આ માહિતી સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય દ્ધારા આપવામાં આવી હતી. આનાથી ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થશે. આને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ સરકારી અને ખાનગી બંને કંપનીઓને સમાન તક આપવામાં આવશે.
એમસીએ પાંચમી પેઢીનું ફાઇટર જેટ હશે, જે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાને સ્ટીલ્થ, સુપરસોનિક અને મલ્ટિરોલ ક્ષમતાઓથી સજ્જ ફાઇટર જેટ પૂરા પાડવાનો છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ઉદ્યોગ ભાગીદારી દ્વારા આ કાર્યક્રમને આગળ વધારવા માટે તૈયાર છે. આ એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ હશે.
ભારતે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું
ભારત દ્વારા લેવાયેલો આ નિર્ણય ત્યારે વધુ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે પાકિસ્તાન ચીન પાસેથી પાંચમી પેઢીના ફાઇટર જેટ ખરીદી રહ્યું છે અને અહીં ભારત પર અમેરિકા અથવા રશિયા પાસેથી તે ખરીદવાનું દબાણ છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, "ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા અને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી છે."
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ઉદ્યોગ સાથે ભાગીદારીમાં આ કાર્યક્રમનો અમલ કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ "એક્ઝીક્યુશન મોડેલ" અભિગમ ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેને સ્પર્ધાત્મક ધોરણે સમાન તક પૂરી પાડે છે. "તેઓ સ્વતંત્ર રીતે અથવા સંયુક્ત સાહસ અથવા કન્સોર્ટિયમ તરીકે બોલી લગાવી શકે છે," મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. એન્ટિટી/બિડર એક ભારતીય કંપની હોવી જોઈએ જે દેશના કાયદા અને નિયમોનું પાલન કરતી હોવી જોઈએ."
પાંચમી પેઢીના ફાઇટર જેટ કેટલા દેશો પાસે છે?
આ કાર્યક્રમને મંજૂરી મળ્યા પછી ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા આવશે અને ભારતને વિદેશી લડાકુ વિમાનો પર આધાર રાખવો પડશે નહીં. એરોસ્પેસ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. સ્થાનિક કંપનીઓને નવીનતમ ટેકનોલોજી પર કામ કરવાની તક મળશે. હાલમાં વિશ્વમાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીન પાસે જ 5મી પેઢીના ફાઇટર જેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ ગયા વર્ષે ફાઇટર એરક્રાફ્ટ કાર્યક્રમને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
આ પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ આશરે 15,000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તેની લાંબા ગાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AMCA પ્રોજેક્ટ પર આગ્રહ રાખી રહી છે. હળવા લડાયક વિમાનના વિકાસ પછી AMCA વિકસાવવામાં ભારતનો વિશ્વાસ નોંધપાત્ર રીતે વધ્યો છે.