મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમરે આજે દેશની પ્રથમ 'કિસાન રેલ' ટ્રેનને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલાલીમાંથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે દોડશે. નરેંદ્ર સિંહ તોમરે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

નરેંદ્ર સિંહ તોમરે કહ્યું કે આ ટ્રેન કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને જલદી બગડી જાય એવી ચીજવસ્તુઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટ કરવામાં મદદરૂપ થશે. તે ઉપરાંત, કિસાનોને એમના પાક માટે યોગ્ય ભાવ મેળવવામાં પણ સહાયતા કરશે.



તોમરે કહ્યું, ભારતીય રેલવે કોરોના વાયરસ સંકટ દરમિયાન દેશભરમાં 96 રૂટ પર 4,610 ટ્રેનો દોડાવી છે જેથી ખાદ્યપદાર્થોનો પૂરવઠો જળવાઈ રહે. આ પ્રસંગે રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા. એમણે કહ્યું કે કિસાનોને વર્ષો જૂની વેઠ-તકલીફોથી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પગલાં લીધા છે. જેના કારણે દેશના કિસાનો આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડી, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના નાગરી પૂરવઠા, ગ્રાહક રક્ષણ ખાતાના પ્રધાન છગન ભુજબળ પણ આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.