Pakistani Fatah-II Missile: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હતાશ છે અને ભારત પર સતત હુમલા કરી રહ્યું છે. જોકે, તેના બધા હુમલાઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે અને ભારતનું સુરક્ષા કવચ તેના ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડી રહ્યું છે. દરમિયાન ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર ગઈકાલે રાત્રે પાકિસ્તાન દ્વારા ફતેહ-2 મિસાઈલ પણ છોડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિસાઇલનું લક્ષ્ય દિલ્હી હતું, પરંતુ તેને હરિયાણાના સિરસામાં તોડી પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાનની સરહદે આવેલા તમામ ભારતીય શહેરોમાં હાઇ એલર્ટ છે. ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગી રહ્યા છે અને જનજીવન ભારે ખોરવાઈ ગયું છે.
9 મેની રાત્રે પાકિસ્તાને દિલ્હી પર ફતેહ-2 બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હરિયાણાના સિરસામાં તેને સફળતાપૂર્વક તોડી પાડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિસાઈલથી ભારતની રાજધાની દિલ્હીને નિશાન બનાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પાકિસ્તાનના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ 120 કિલોમીટરની રેન્જ ધરાવે છે. આજે રાત્રે ભારતે રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ, પંજાબના શોરકોટમાં રફીકી એરબેઝ અને પંજાબના ચકવાલમાં મુરીદ એરબેઝને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાને શુક્રવારે બીજી રાત્રે જમ્મુ અને કાશ્મીરથી ગુજરાત સુધીના 26 સ્થળોને લક્ષ્ય બનાવીને ડ્રોન હુમલાઓ કર્યા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરપોર્ટ અને હવાઇ મથકો સહિત મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવાના દુશ્મનના પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પંજાબના ફિરોઝપુરમાં થયેલા હુમલામાં એક પરિવારના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. પાકિસ્તાનની સરહદે આવેલા તમામ રાજ્યો બ્લેકઆઉટ હેઠળ હતા.
ભારતે ઇસ્લામાબાદ, લાહોર અને રાવલપિંડી સહિતના મુખ્ય પાકિસ્તાની શહેરોમાં હુમલાઓ કરીને જવાબી કાર્યવાહી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં ત્રણ વાયુસેનાના મથકોને પણ નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનના વિવિધ શહેરોમાં અનેક વિસ્ફોટ થયા, જેમાં રાવલપિંડીમાં બે, લાહોર અને ઇસ્લામાબાદમાં એક-એક વિસ્ફોટ થયો હતો.