PATNA, BIHAR : પટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ સમાચાર મળ્યા બાદ  સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.


પટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ રાખવાના સમાચાર એક વ્યક્તિએ આપ્યા હતા. આ સમાચાર મળ્યા બાદ  સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 




પટના એરપોર્ટ પર હાજર સુરક્ષા કર્મચારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઈન્ડિગોની ફ્લાઈટની તપાસ કરી રહી છે. આ માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલમાં પટના એરપોર્ટની આસપાસ સુરક્ષા ઘેરી લેવામાં આવી છે. માહિતી મળી રહી છે કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુરુવારે રાત્રે દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ રદ્દ  કરવામાં આવી છે.




આ અંગે પટના ડીએમ ચંદ્રશેખરે એબીપી ન્યૂઝને જણાવ્યું કે એક વ્યક્તિએ પોતે કહ્યું કે તે ઈન્ડિગો ફ્લાઈટથી દિલ્હી જઈ રહ્યો હતો અને તેની બેગમાં બોમ્બ હતો. ત્યારબાદ  એરપોર્ટની સુરક્ષામાં તૈનાત CISF અધિકારીઓ એક્શનમાં આવ્યા અને માહિતી આપનાર વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. 


ડીએમએ કહ્યું કે જે વ્યક્તિએ આ માહિતી આપી છે તે વાત કરતી વખતે માનસિક રીતે બીમાર હોય લાગે છે. હાલમાં પટના એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સુરક્ષા કર્મચારીઓ એલર્ટ મોડ પર છે અને સુરક્ષાની તપાસ કરવામાં આવી રહી છે.