કોઈના હાથમાં 1 વર્ષનું બાળક, તો કોઈને લગ્નમાં પહોંચવાની રાહ... IndiGo ની ફ્લાઇટ રદ થતા ઠેર-ઠેર મુસાફરોના હાલ બેહાલ
IndiGo Crisis: ભારતીય એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાથી અથવા મોડી થવાથી દેશભરના મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓપરેશનલ સમસ્યાઓના કારણે ઇન્ડિગોએ શુક્રવારે મધ્યરાત્રિ સુધી દિલ્હીના IGI એરપોર્ટથી તેની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

IndiGo Crisis: ભારતીય એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાથી અથવા મોડી થવાથી દેશભરના મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓપરેશનલ સમસ્યાઓના કારણે ઇન્ડિગોએ શુક્રવારે મધ્યરાત્રિ સુધી દિલ્હીના IGI એરપોર્ટથી તેની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. મંગળવારથી 1,000 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા દિવસ દરમિયાન પણ અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. વધુમાં, ભારતના ઘણા એરપોર્ટ પર ઘણી અન્ય ફ્લાઇટ્સ મોડી પડી છે.
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ મોડી પડી
અમદાવાદ એરપોર્ટ પર પણ અંધાધૂંધી જોવા મળી રહી છે, જ્યાં ફ્લાઇટ વિલંબ અને રદ થવાને કારણે મુસાફરોને એરપોર્ટ પર 10-10-12 કલાક વિતાવવા પડી રહ્યા છે. ગઈકાલથી, અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે. ઇન્ડિગો ફ્લાઇટ્સની સમસ્યાઓને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ રહ્યા બાદ એરલાઇન સ્ટાફ પર અમદાવાદના મુસાફરો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. દરેક વ્યક્તિ પૂછી રહ્યા છે કે જો ફ્લાઇટમાં સમસ્યા હોય તો એરલાઇન ટિકિટ કેમ વેચી રહી છે. મુસાફરો કહે છે, "જો તમને ખબર હોય, તો તમારે ટિકિટ વેચીને લોકોને મુશ્કેલીમાં ન મૂકવું જોઈએ." ઇન્ડિગોની ભૂલને કારણે મુસાફરો તેમના નિર્ધારિત સ્થળોએ મોડા પહોંચી રહ્યા છે અથવા તેમની ટ્રિપ્સ રદ પણ કરવી પડી રહી છે.
ચંદીગઢ એરપોર્ટ પર મુસાફરો ફસાયા
ચંદીગઢ એરપોર્ટ પર મુસાફર દીપક ગોવા જવાના હતા, પરંતુ તેમની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું, "હવે તેઓ અમને કહી રહ્યા છે કે તે કાલ માટે છે, અને અમારે તેમના કહેવા મુજબ કરવું પડશે. તેમણે અમને રોકાવાનો સમય આપ્યો છે." એક મહિલા મુસાફર લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ જવાની હતી. મહિલા મુસાફરે સમજાવ્યું કે તેણીને સમારોહમાં હાજરી આપવાની હતી અને છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ કરવામાં આવી હવે હું કેવીરીતે ત્યાં પહોચી શકીશ.
મહત્વપૂર્ણ મીટિંગ ખોરવાઈ, બાળકો મુશ્કેલીમાં...
રાજીવ નામના મુસાફરે કહ્યું કે તેણે ચાર-પાંચ દિવસ પહેલા ગોવા માટે ફ્લાઈટ બુક કરાવી હતી, પરંતુ એરપોર્ટ પર પહોંચ્યા પછી તેને ખબર પડી કે ફ્લાઈટ રદ થઈ ગઈ છે. રાજીવે કહ્યું કે તેની મીટિંગ હતી, બધું ખોરવાઈ ગયું હતું, અને કોઈ મદદ કરી રહ્યું ન હતું. તેણે કહ્યું કે તેની પાસે સ્ટાફ પણ નહોતો. બીજા મુસાફરે કહ્યું કે તેને મુંબઈ જવું પડશે અને તેનું એક વર્ષનું બાળક છે, જેના કારણે તે ખૂબ જ પરેશાન છે. તેને ફ્લાઈટમાં વિલંબનો મેસેજ મળ્યો, પછી અહીં આવ્યો અને ખબર પડી કે ફ્લાઈટ રદ થઈ ગઈ છે. બીજો મુસાફર તે રાત્રે લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ જવાનું હતું અને હવે તેને ખબર પડી છે કે ફ્લાઈટ રદ થઈ ગઈ છે.





















