Indigo Flight:  ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની એક ફ્લાઈટ પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશી હતી. આ જાણકારી એરલાઈન્સ કંપનીએ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિગો ફ્લાઈટ 6e-2124 થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં જતી રહી હતી. ત્યારબાદ તેને અમૃતસર તરફ લઇ જવામાં આવી હતી. એરલાઈન કંપનીના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈટ જમ્મુ જઈ રહી હતી ત્યારે ખરાબ હવામાનને કારણે તેને પોતાનો રૂટ બદલવો પડ્યો હતો.


પાઇલટે આપી માહિતી


ફ્લાઇટના પાઇલટના  જણાવ્યા અનુસાર, હવામાન એટલું ખરાબ થઈ ગયું હતું કે તેને થોડા સમય માટે પાકિસ્તાનના એરસ્પેસમાં જવાની ફરજ પડી હતી, જોકે તેના થોડા સમય બાદ ફ્લાઈટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત આવી ગઇ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, આ અંગે માહિતી આપતા ઈન્ડિગોના એક અધિકારીએ જણાવ્યું કે પાઈલટ દ્વારા સંબંધિત અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.


ફ્લાઈટનું અમૃતસરમાં લેન્ડિંગ કરાયું


પાઇલટે ખરાબ હવામાન વિશે અધિકારીઓને જાણ કરી અને કહ્યું હતું કે તેને પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ કરવો પડશે, ત્યારબાદ અધિકારીઓએ તેને મંજૂરી આપી હતી.  અધિકારીએ કહ્યું કે સમગ્ર ડાયવર્ઝન લાહોર અને જમ્મુ એટીસી દ્વારા સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. આખરે ફ્લાઈટને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી હતી. જે બાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.


આવી જ ઘટના લગભગ એક મહિના પણ બની હતી. ઈન્ડિગોની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાની એરસ્પેસમાં ગઈ હતી. આ ફ્લાઈટ અમૃતસરથી અમદાવાદ જઈ રહી હતી. ઈન્ડિગો ફ્લાઈટ 6E-645ને અટારીથી પાકિસ્તાન તરફ જવાનું હતું, ત્યારબાદ પાકિસ્તાની ATC સાથે સંપર્ક કરવામાં આવ્યો અને તેને જાણ કરવામાં આવી. આખરે ફ્લાઈટ અમદાવાદ પહોંચી હતી.


ભારતની ઇન્ડિગોએ કર્યો દુનિયાનો સૌથી મોટો સોદો


ઈન્ડિગો નામની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એરલાઈન્સ ઓપરેટર ઈન્ટરગ્લોબ એવિએશને વિમાન ખરીદવાનો દુનિયાનો સૌથી મોટો સોદો કર્યો છે. ઈન્ડિગો 500 નવા એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ ખરીદવા જઈ રહી છે. કોઈપણ ભારતીય એરલાઈન્સ દ્વારા એકસાથે ડિલિવરી કરાયેલા સૌથી વધુ સંખ્યામાં એરક્રાફ્ટનો આ ઓર્ડર છે. આ એરક્રાફ્ટ 2020 અને 2035ની વચ્ચે ડિલિવર થવાની અપેક્ષા છે. ઈન્ડિગોએ 500 નવા એરબસ A320 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. ઈન્ડિગો એ વિશ્વની પહેલી એરલાઈન છે જેણે એક સાથે આટલી મોટી સંખ્યામાં એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ સાથે ડીલ કરી છે. આ વર્ષે ભારતમાંથી આટલી સંખ્યામાં એરક્રાફ્ટ મંગાવવાનો આ બીજો કિસ્સો છે. આ જ વર્ષે ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયાએ અગાઉ એરબસ અને બોઈંગ સાથે 470 નવા એરક્રાફ્ટ ખરીદવાના સોદાની જાહેરાત કરી હતી.