નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે ક્રિકેટ ખાસ કરીને આઈપીએલના ખેલાડીઓને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. જેના કારણે આઈપીએલની આ સીઝન સસ્પેન્ડ કરવામાં આવી છે. બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ એએનઆઈને જણાવ્યું કે, આ વર્ષે આઈપીએલની બાકીની મેચો સસ્પેન્ડ કરવામાં આવી છે. જે બાદ ક્રિકેટ ફેન્સમાં બાકીની સીઝન ક્યારે રમાશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. પરંતુ વર્તમાન સંજોગોને જોતાં બાકીની સીઝન પર કાળા વાદળ છવાયા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શિડ્યૂલ પ્રમાણે આગામી મહિને શ્રીલંકાનો ઈંગ્લેન્ડ પ્રવાસ છે. જે બાદ 18 જુનથી 22 જુન સુધી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમાશે. જેમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. જુલાઈમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડ પ્રવાસે અને સાઉથ આફ્રિકા આયર્લેન્ડ પ્રવાસે જશે. ઓગસ્ટમાં ભારત ઈંગ્લેન્ડ પ્રવાસે જશે અને ઝિમ્બાબ્વે આયર્લેન્ડ પ્રવાસે જશે. ઓક્ટોબરમા ઈંગ્લેન્ડ પાકિસ્તાન આવશે. 18 ઓક્ટોબરથી લઈ 15 નવેમ્બર સુધી આઈસીસી ટી-20 વર્લ્ડ કપ રમાશે. ડિસેમ્બરમાં કોઈપણ દેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનું નથી. જાન્યુઆરી 2022માં ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે.
આ સંજોગોને જોતાં ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આઈપીએલની બાકીની સીઝનનું આયોજન થાય તેવી સંભાવના છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
આઈપીએલમાં અત્યાર સુધી કેટલી મેચ રમાઈ હતી
કોરોનાના કહેરની વચ્ચે બીસીસીઆઈએ મજબૂત બાયો બબલ રહેવાનું કહ્યું હતુ, ત્યાર બાદ અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. હાલમાં જ બીસીસીઆઈએ બાયો બબલ નિયમ કડક બનાવ્યા હતા. ખેલાડીઓને દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ કરાવાવની જગ્યાએ બે દિવસે કરાવવા કહ્યું હતું. સાથે જ બીસીસીઆઈએ ખેલાડીઓને હોટલની બહારનું ખાવાનું મગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈપીએલના સીઓઓ હેમાંગ અમીને કહ્યું હતું કે, પહેલા ખેલાડીઓ ટૂર્નામેન્ટ પહેલા કેટલીક હોટલમાંથી ખાવાનું મગાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે આ સુવિધા પરત લેવામાં આવી છે.
IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.
આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ આઈપીએલ 2021થી દૂર થઈ ચૂક્યા છે.