Chandrayaan 3 Landing on Moon: ભારતના ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે (23 ઓગસ્ટ) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ચંદ્રના આ ભાગમાં પહોંચનાર ભારત પહેલો દેશ બની ગયો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જવા માટે આજ સુધી કોઈ સફળ થયું નથી. વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ઈસરોએ પહેલો ફોટો શેર કર્યો છે.


ISROએ ટ્વીટ કરીને લખ્યું, ચંદ્રયાન-3ના લેન્ડર અને બેંગલુરુ સ્થિત કમાન્ડ સેન્ટર વચ્ચે કોમ્યુનિકેશન લિંક સ્થાપિત થઈ ગઈ છે. નીચે ઉતરતી વખતે આ તસવીરો લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે. આ સફળતા બાદ ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ પણ બની ગયો છે.


 






ભારત હવે ચંદ્ર પર 


ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ પછી તરત જ, ISROના વડા એસ સોમનાથે ખુશી વ્યક્ત કરી કે અમે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મેળવી છે. ભારત હવે ચંદ્ર પર છે. પીએમ મોદી પણ દક્ષિણ આફ્રિકાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લેન્ડિંગ કાર્યક્રમમાં સામેલ થયા હતા.


પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા


આ સિદ્ધિ માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે આપણી આંખો સામે આવો ઈતિહાસ રચાતા જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રીય જીવનની શાશ્વત ચેતના બની રહે છે.


 






દેશવાસીઓને સંબોધતા પીએમએ કહ્યું કે આ ક્ષણ અવિસ્મરણીય છે, આ ક્ષણ અભૂતપૂર્વ છે, આ ક્ષણ વિકસિત ભારતનો શંખનાદ છે. આ નવા ભારતના જયઘોષની ક્ષણ છે. મુશ્કેલીઓના સાગરને પાર કરવાની આ ક્ષણ છે. આ ક્ષણ જીતના ચંદ્રમાર્ગ પર ચાલવાની છે. આ ક્ષણ 140 કરોડ શ્વાસની શક્તિની છે. આ ભારતમાં નવી ઉર્જા, નવી શ્રદ્ધા, નવી ચેતનાની ક્ષણ છે.