નક્સલીયોએ ફરી એકવાર કાયર હરકત કરી છે. છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલિયોએ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. આ બ્લાસ્ટમાં ITBPના એક અધિકારી શહીદ થયા છે અને એક હેડ કોન્સટેબલ ઘાયલ થયા છે. નક્સલીયોએ ઘાત લગાવીને આઈટીબીપીના જવાનો પર હુમલો કર્યો હતો. ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને રાયપુર ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. નારાયણપુરના એસપી સદાનંદ કુમારે જણાવ્યું કે નક્સલીઓએ જવાનો જે રસ્તા પર જવાના હતા તે રસ્તામાં જ IED લગાવી દીધું હતું. આ વિસ્ફોટમાં જવાન શહીદ થયો હતો.


અહેવાલો અનુસાર, સોમવારે ITBPની ટુકડી પેટ્રોલિંગ માટે નીકળી હતી. સોનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલીઓએ IED પ્લાન્ટ કર્યો હતો અને જવાનો આ બોમ્બ બ્લાસ્ટનો શિકાર બન્યા હતા. આ બ્લાસ્ટમાં ITBPના એક અધિકારી શહીદ થયા છે અને એક હેડ કોન્સટેબલ ઘાયલ થયા છે. એસપી સદાનંદ કુમારે જણાવ્યું કે, હુમલામાં ASI રાજેન્દ્ર કુમાર શહીદ થયા છે. જ્યારે કોન્સ્ટેબલ મહેશ કુમાર ઘાયલ થયા છે.


                                            શહીદ ASI રાજેન્દ્ર કુમાર


અગાઉ 13 માર્ચે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં બે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો ઘાયલ થયા હતા. બસ્તર રેન્જના મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, કેરળપાલ પોલીસ સ્ટેશન હેઠળના ચિચોરગુડા ગામ નજીકના જંગલમાં રવિવારે સવારે જ્યારે રાજ્યના નક્સલ વિરોધી દળ ડીઆરજીના જવાનો રસ્તાના નિર્માણ દરમિયાન સુરક્ષા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે અથડામણ થઈ હતી.


ડીઆરજી કોન્સ્ટેબલ સોમાડુ પાયમ અને સહાયક કોન્સ્ટેબલ મેહરુ રામ કશ્યપ અથડામણમાં ઘાયલ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે ઘટના બાદ વધારાના સુરક્ષા દળને સ્થળ પર મોકલવામાં આવ્યા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તેમણે કહ્યું કે ઘાયલ જવાનોને સુકમા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.