કાશ્મીર: જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રએ અમરનાથ યાત્રા પહેલા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં યાત્રાળુઓએ શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડી છે. જેમાં વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને ફિટ રહેવા માટે મોર્નિંગ વોક અને શ્વાસ લેવાની કસરત કરવા જણાવ્યું છે. 43 દિવસની આ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના મુખ્ય સચિવ, નીતિશ્વર કુમારે સાવચેતીનાં પગલાંનું વર્ણન કરતાં જણાવ્યું હતુ કે અમરનાથ યાત્રા પર જતાં પહેલાં યાત્રિકોએ મોર્નિંગ વોક, શ્વાસ લેવાની કસરત કરવી જોઈએ અને પોતાને હાઈડ્રેટ રાખવા જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે મુસાફરોએ પોતાની સાથે ગરમ કપડાં અને ખાદ્યપદાર્થો રાખવાનું ભૂલવું જોઈએ નહીં. આ યાત્રા 30 જૂન 2022થી શરૂ થશે અને 11 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થશે. હકીકતમાં આ વર્ષે ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા દરમિયાન હાર્ટ અટેક,બીમારી અને અન્ય કારણોસર 90 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા અમરનાથ યાત્રા માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
4 થી 5 કલાક ચાલવું ખૂબ જ જરૂરી છે
નીતિશ્વર કુમારે કહ્યું કે જે મુસાફરોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને જવા માગે છે, તો તેમણે 4 થી 5 કલાકની મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક કરવાનું શરૂ કરી દેવું જોઈએ. પ્રવાસીઓ માટે આ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આટલા ઊંચા પહાડો પર ચઢવું સરળ નહીં હોય. અમરનાથની ગુફા 12 હજાર 700 ફૂટની ઉંચાઈ પર છે અને રસ્તામાં એવી ઘણી જગ્યાઓ હશે જ્યાં તમારે 14 હજારથી 15 હજાર ફૂટની ઊંચાઈએ જવું પડશે. આ સાથે, મુસાફરોને ઊંડા શ્વાસ લેવાની કસરત પણ કરવી પડે છે કારણ કે આટલી ઊંચાઈ પર ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય છે. તો વરસાદને કારણે રસ્તામાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેથી ગરમ કપડાં રાખવા પણ જરૂરી છે. પ્રવાસ દરમિયાન વરસાદ પછી તાપમાન 5 ડિગ્રી સુધી ઘટી જાય છે, તેથી પ્રવાસીએ ગરમ કપડાં રાખવાનું ભૂલવું જોઈએ નહીં. આ સાથે, તમારી સાથે લાકડી, જેકેટ અને ખાદ્યપદાર્થો રાખવાની પણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ડિહાઇડ્રેશન ટાળવા માટે હાઇડ્રેટેડ રહો.
અમરનાથ યાત્રાને લઈને ગૃહમંત્રી અમિત શાહની બેઠક
તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ તેમજ અમરનાથ યાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને ઓડિશાની સરકારોને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી. વાસ્તવમાં કેદારનાથની યાત્રા ચાલી રહી છે અને અમરનાથ યાત્રા શરૂ થવાની છે, જ્યારે ઓડિશામાં જગન્નાથ પુરી રથયાત્રાનું આયોજન થવાનું છે. આ મામલે ગૃહ મંત્રાલયના સચિવે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.