Jabalpur Hospital Fire News: મધ્યપ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલ(Jabalpur Hospital )માં લાગેલી ભીષણ આગમાં 8 લોકોના મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં મોટાભાગના હોસ્પિટલ સ્ટાફના છે. આગ પર કાબુ મેળવવામાં આવ્યો આ ઘટના બાદ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો.હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
ઘટનાની પુષ્ટિ કરતા જબલપુર(Jabalpur)ના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝી જવાથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત નાજુક છે.આ સાથે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ પણ છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
ગોહલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંડાલ ભાટા વિસ્તારમાં આવેલી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો એક જ રસ્તો હોવાથી મોટાભાગના લોકો અંદર ફસાઈ ગયા હતા. ફાયર વાહનો શરૂઆતમાં આગને કાબુમાં લેવામાં પણ અસમર્થ રહ્યા બાદમાં વીજ વિભાગના કર્મચારીઓએ વીજ કનેકશન કાપી નાખતાં એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.
ગયા વર્ષે કમલા નેહરુ હોસ્પિટલમાં આગ લાગી હતી
વર્ષ 2021માં નવેમ્બર મહિનામાં ભોપાલ(Bhopal)ની કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી હતી. આ ભયાનક આગને કારણે ચાર બાળકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ કમલા નેહરુ હોસ્પિટલના ડાયરેક્ટર સહિત ત્રણ મેડિકલ ઓફિસરને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગાંધી મેડિકલ કોલેજ અને હમીદિયા હોસ્પિટલના પરિસરમાં સ્થિત સરકારી સંચાલિત કમલા નેહરુ હોસ્પિટલના સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)માં ગયા વર્ષે 8 નવેમ્બરે રાત્રે લગભગ 8:35 વાગ્યે આગ ફાટી નીકળી હતી.