જયપુર: જયપુરના કાનોતા વિસ્તારમાં સોની વેપારી યશવંત સોની, તેના પત્ની અને બે દિકરાના સામૂહિક આત્મહત્યાની ઘટનાને લઈ અલવર જિલ્લામા રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ છે. મૃતક પરિવાર મૂળ અલવરના રામગઢ વિસ્તારના અલાવડા ગામનો રહેવાસી હતો.આઠ-દસ વર્ષ પહેલા ધંધા માટે પરિવાર સાથે અલવરથી જયપુર જતા રહ્યા હતા. યશવંત સોનીના પિતા ગોવિંદ સોનીએ પણ આશરે 11 વર્ષ પહેલા પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી.

મળતી જાણકારી મુજબ પરિવાર ઝવેરાત બિઝનેસમાં કામ કરતો હતો. કુટુંબે વ્યાજ પર મોટી રકમ મેળવેલી હતી. એક તરફ લોકડાઉનને કારણે કુટુંબની આર્થિક સ્થિતિ વધુ વણસી અને બીજી તરફ વ્યાજ માફિયા કુટુંબને ધમકી આપવા લાગ્યા. પરિવારના ચાર સભ્યોએ આખરે આત્મહત્યા કરી લીધી હતી. એક સાથે ચાર લોકોની આત્મહત્યાના કારણે હાહાકાર મચી ગયો હતો.

યશવંત સોનીનું જૂનુ મકાન ભીકમ સૈયદ મહોલ્લામાં છે. ત્યાં તેના માતા રહે છે. શનિવાર બપોર સુધી તેના માતા પોતાના ઘરે જ રહ્યા હતા. સાંજે પરિચિત સાથે બાઈકથી અન્ય જગ્યાએ જતા રહ્યા હતા. અલવરમાં તેના બે ભાઈ ચેતન અને યશપાલ રહે છે. યશવંતના નાના ભાઈ ચેતનની માલાખેડા બજારમાં સોનીની દુકાન છે. ઓર્ડર પર મેવાતી આભૂષણો બનાવવાનું કામ કરે છે.

સોની પરિવાર આઠ દસ વર્ષ પહેલા જ જયપુરમાં શિફ્ટ થયા હતા. યશવંત સોની અને તેના ભાઈ ચેતન અને યશપાલ સોની ત્રણેયે ફ્રેન્ડ્સ કોલોનીમાં અલગ-અલગ મકાન બનાવ્યા હતા અને ત્યાં જ રહેતા હતા.