Jaishankar Marco Rubio Talks: દુનિયામાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય સમીકરણો વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કરી દીધું છે કે ભારતની ઊર્જા નીતિ 'ઇન્ડિયા ફર્સ્ટ' (ભારત પ્રથમ) પર જ આધારિત છે. રવિવારે નવી દિલ્હીમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં આખા સમાચારનો સાર આપતા તેમણે કહ્યું કે અમેરિકા ભલે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ પર ચાલતું હોય, પણ ભારત હંમેશા પોતાના રાષ્ટ્રીય હિતોને જ પ્રાથમિકતા આપશે. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે ભારતને જ્યાંથી સસ્તી, વિશ્વસનીય અને મોટા પ્રમાણમાં ઊર્જા મળશે, ત્યાંથી તે ખરીદશે. આ સાથે જ તેમણે વૈશ્વિક ઊર્જા બજારોમાં દખલગીરી ન કરવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ક્વાડ (Quad) દેશોની ભાગીદારી મજબૂત કરવા પર પણ ખાસ ભાર મૂક્યો હતો.
જયશંકરે અમેરિકા સાથેની ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાવહારિક ગણાવી હતી. ટ્રમ્પ પ્રશાસનની ઊર્જા નીતિ અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "જ્યાં સુધી ઊર્જાનો સવાલ છે, આપણી સુરક્ષા માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણી પાસે બહુવિધ, મોટા, વિશ્વસનીય અને સસ્તા સ્ત્રોતો હોય." તેમણે સ્વીકાર્યું કે અમેરિકા આ માપદંડો પર બરાબર ખરું ઉતરે છે, પરંતુ સાથે જ એક ટકોર પણ કરી કે, "દુનિયાના કેટલાક અન્ય દેશો પણ છે જે આ માપદંડો પૂરા કરે છે."
અમેરિકાની નવી સરકારની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ વિશે સીધી વાત કરતા જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ટ્રમ્પ પ્રશાસન પોતાની વિદેશ નીતિને 'અમેરિકા ફર્સ્ટ' તરીકે રજૂ કરવામાં એકદમ સ્પષ્ટ છે. હવે, જ્યાં અમારી વાત છે, ત્યાં અમારો દૃષ્ટિકોણ 'ઇન્ડિયા ફર્સ્ટ'નો છે." તેમણે સમજાવ્યું કે એવા ઘણા ક્ષેત્રો હશે જ્યાં બંને દેશોના હિતો એકસમાન હશે અને ત્યાં આપણે સાથે મળીને કામ કરીશું. પણ જ્યાં હિતો અલગ હશે, ત્યાં પરિસ્થિતિને સમજીને આપણે રસ્તો કાઢવો પડશે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ ઢીલા પડ્યા! અમેરિકા 25% ઈરાની ફંડ મુક્ત કરવા તૈયાર, તેલ પ્રતિબંધોમાં અપાશે રાહત
પોતાના નાગરિકો પ્રત્યેની જવાબદારીનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, દેશના લોકોને વ્યાજબી ભાવે ઊર્જા પૂરી પાડવી એ સરકારની મૂળભૂત ફરજ છે. આ માટે ભારત 4-પોઈન્ટની વ્યૂહરચના અપનાવી રહ્યું છે અને અલગ-અલગ દેશો પાસેથી ઊર્જા ખરીદવાનું ચાલુ રાખશે. તેમણે બજારમાં થતી કૃત્રિમ દખલગીરીનો વિરોધ કરતા ચેતવણી આપી કે, "અમે નથી ઈચ્છતા કે ઊર્જા બજારોને સંકુચિત કરવામાં આવે કે તેમાં કોઈ દખલ થાય, કારણ કે તેની સીધી અસર કિંમતો પર પડે છે. અમારું દ્રઢપણે માનવું છે કે ઊર્જા બજારોને બજારના ભરોસે જ છોડી દેવા જોઈએ."
આગામી રાજદ્વારી સંબંધો અંગે વાત કરતા જયશંકરે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને ક્વાડ (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) દેશોના ગઠબંધનની વધતી જતી ઉપયોગિતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. બંને દેશોને 'દરિયાઈ લોકશાહી' ગણાવતા તેમણે કહ્યું કે, "આપણે દરિયાઈ શક્તિઓ છીએ અને લોકશાહી દેશો છીએ. આપણા કામ કરવાની રીત અને માન્યતાઓ એકસરખી છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા દિવસોમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ક્વાડનો સહયોગ વધુ મજબૂત અને નિર્ણાયક બનશે.
આ પણ વાંચોઃ અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે? સરકારે કર્યો મોટો ખુલાસો
