કાશ્મીરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ કાશ્મીરના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ આ હુમલો જમ્મુના સુંજવા વિસ્તારમાં કર્યો હતો. જમ્મુ પોલીસના એડીજીપીના કહેવા પ્રમાણે, આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો.






જમ્મુ પોલીસના કહેવા પ્રમાણે, જમ્મુના બઠિંડી વિસ્તારમાં રાત્રે આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો. બાદમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો અને ચાર જવાન ઘાયલ થયા હતા.






જમ્મુના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે અમે રાત્રે વિસ્તારને ઘેરી લીધો હતો અમને આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. અથડામણ હજી ચાલી રહી છે. એવું લાગી રહ્યું છે કે આતંકવાદીઓ કોઇ ઘરમાં છૂપાયા છે. બીજી તરફ બારામુલ્લામાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અહી ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એક કે બે આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે.