Kathua Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાના કારણે થયેલી આફતના થોડા દિવસો પછી, હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની છે. રવિવારે (17 ઓગસ્ટ) કઠુઆ જિલ્લાના જોડ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થવાની આશંકા છે. ઘણા ઘરો કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં 4 લોકોના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે.

 

જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ પણ કાટમાળની ઝપેટમાં આવી ગયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની એક ટ્યૂબ બંધ થઈ ગઈ છે. હાલમાં નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારના જોડ ઘાટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે ગામનો સંપર્ક બાકીના વિસ્તારથી કપાઈ ગયો હતો અને જમીન અને મિલકતને નુકસાન થયું હતું. જોકે શરૂઆતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહોતા, પરંતુ બાદમાં એવું જાણવા મળ્યું હતું કે ચાર લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે.

કિશ્તવાડ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 65 લોકોના મોત થયા છે

કિશ્તવાડ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ 25 લોકોની જમ્મુ અને કાશ્મીરની સરકારી મેડિકલ કોલેજ (GMC) અને હોસ્પિટલમાં મોટી સર્જરી કરવામાં આવી હતી અને તેમના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટની રાત્રે, 66 ગંભીર રીતે ઘાયલ દર્દીઓને GMC જમ્મુ લાવવામાં આવ્યા હતા. તે રાત્રે લોકોના જીવ બચાવવા માટે લગભગ 25 મોટી સર્જરી કરવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કિશ્તવાડના ચાશોટી ગામમાં વાદળ ફાટવાથી પ્રભાવિત લોકો માટે સહાયની જાહેરાત કરી. અસરગ્રસ્ત ગામની મુલાકાત દરમિયાન, તેમણે અસરગ્રસ્ત લોકોને 'એકતા અને તાત્કાલિક રાહત'ના પગલા તરીકે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી નાણાકીય સહાયની જાહેરાત કરી અને તેમને લાંબા ગાળાના સમર્થનની ખાતરી પણ આપી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે જણાવ્યું હતું કે 60 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 100 થી વધુ ઘાયલ થયા છે અને 82 અન્ય ગુમ છે.

તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયા અને નાના ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયા આપવામાં આવશે. માળખાકીય નુકસાન માટે, મુખ્યમંત્રીએ સંપૂર્ણપણે નુકસાન પામેલા ઘરો માટે 1 લાખ રૂપિયા, ગંભીર રીતે નુકસાન પામેલા ઘરો માટે 50,000 રૂપિયા અને આંશિક રીતે નુકસાન પામેલા મકાનો માટે 25,000 રૂપિયાની જાહેરાત કરી.