શ્રીનગર: પૂર્વ કેંદ્રીય મંત્રી મનોજ સિન્હાએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ પહેલા નેતા છે, જેમણે કેંદ્ર શાસિત પ્રદેશનો પ્રભાર સંભાળ્યો છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય ન્યાયાધીશ ગીતા મિતલે રાજ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા.

મનોજ સિન્હાએ કહ્યું, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત થાય અને અમારું લક્ષ્ય શાંતિ જાળવી રાખીને વિકાસની ગતિને વેગ આપવાનું છે. બંધારણીય અધિકારોનો ઉપયોગ જનતાની ભલાઈ માટે કરવામાં આવશે. વિશ્વાસ આપુ છુ કે લોકોની ફરિયાદ સાંભળવામાં આવશે અને તે બાબતે ઉકેલ લાવવાના પ્રયાસ કરવામાં આવશે. રાજ્યનો વિકાસ અમારી પ્રથમ પ્રાથમિક્તા છે.



ગિરીશ ચંદ્ર મુર્મૂએ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ ભવને ગુરુવારે સિંહાની નિમણુંકની જાણકારી આપી હતી. ગુજરાત કેડરના IAS અધિકારી રહેલા મુર્મૂને હવે CAGની જવાબદારી સોંપવામાં આવી છે. મનોજ સિન્હા મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રેલ રાજ્યમંત્રી અને સંચાર રાજ્યમંત્રી રહ્યા હતા.