Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છે. આ દરમિયાન રાજૌરીમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરી રહ્યા હતા. એન્કાઉન્ટર બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.






અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે 57 રાષ્ટ્રીય રાઈફલ્સ અને 53 ઈન્ફન્ટ્રી બ્રિગેડના જવાનોએ માછિલ સેક્ટરના કામકારી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સાંજે લગભગ 7.40 વાગ્યે આતંકવાદીઓની હિલચાલની જાણ થઈ હતી.  આ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે હજુ સુધી મૃતદેહો મળી શક્યા નથી. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન ચાલુ છે. તેવી જ રીતે તંગધારમાં અન્ય એક ઓપરેશનમાં એક આતંકી માર્યો ગયો છે.






સેના અનુસાર, ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા તંગધાર, કુપવાડામાં 28-29 ઓગસ્ટની મધ્યરાત્રિએ ઘૂસણખોરી વિરોધી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. હાલમાં બંને જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે.


રાજૌરીમાં પણ એન્કાઉન્ટર


બીજી તરફ રાજૌરીમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીમાં સુરક્ષા દળો દ્વારા 28 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યે ખેરી મોહરા લાઠી ગામ અને દંથલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન રાત્રે લગભગ 11.45 વાગ્યે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ થયું હતું.


ડ્રોનનો ઉપયોગ કરી રહી છે સેના


એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓની હાજરીને સમજવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આનાથી તેમને એ જાણવામાં મદદ મળી કે આતંકવાદીઓ ક્યાં છૂપાયેલા છે. આતંકીઓને શોધવા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોની અન્ય ટીમોને એલર્ટ કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને રક્ષા મંત્રી પણ જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી ચૂક્યા છે.


સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાશે


જમ્મુ-કાશ્મીરમાં આવતા મહિને જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જે બાદ 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.