Jammu Kashmir Encounter: જમ્મુ અને કાશ્મીરના સૂરનકોટ, પૂંછમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન એક જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) સહિત પાંચ સૈનિકો શહીદ થયા હતા. આ વિસ્તારમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા. તે પછી આ એન્કાઉન્ટર શરૂ થયું. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સુરનકોટમાં ડીકેજી નજીકના ગામમાં વહેલી સવારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, ભારે હથિયારો સાથે આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચાર્મેરના જંગલમાં છુપાયા હોવાના અહેવાલ છે. વધારાના દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે, જેથી આતંકવાદીઓના તમામ બહાર નીકળવાના માર્ગો બંધ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પહેલા સોમવારે જમ્મુ -કાશ્મીરના અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં ખગુંડ ખાતે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ફોર્સે ફાયરિંગનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. અભિયાન હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે, બીજી અથડામણ બાંદીપોરા જિલ્લાના હાજીન વિસ્તારમાં ગુંડજહાંગીર ખાતે થઈ હતી. જ્યાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (ટીઆરએફ) ના ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ છે. તે તાજેતરમાં શાહગુંડ બાંદીપોરામાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.