Jammu & Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં આતંકી મોડ્યુલને ખતમ કરવા માટે આર્મીની જોરદાર કાર્યવાહી ચાલુ છે. રવિવારે (22 ફેબ્રુઆરી) કિશ્તવાડ જિલ્લામાં 'ઓપરેશન ત્રાશી-1' હેઠળ સુરક્ષાકર્મીઓએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર પણ માર્યો ગયો છે. આ ઓપરેશનને જમ્મુ-કાશ્મીર પોલીસ અને ઇન્ટરનેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ મળીને અંજામ આપ્યો હતો.
ત્રીજા આતંકીનો સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ
કિશ્તવાડમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ત્રીજા આતંકીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સેનાની 'વ્હાઇટ નાઇટ કોર' (White Knight Corps) એ એક્સ (X) પર એક પોસ્ટમાં આ વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે કે, કિશ્તવાડ જિલ્લામાં ઓપરેશન ત્રાશી-1 હેઠળ ચાલી રહેલા અભિયાન અંતર્ગત, સીઆઈએફ (કાઉન્ટર ઇન્ટેલિજન્સ ફોર્સ) ડેલ્ટા, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ ત્રીજા આતંકીનો સળગેલો મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે.
સુરક્ષા દળોએ ચલાવ્યું સર્ચ ઓપરેશન
રવિવારે (22 ફેબ્રુઆરી) જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, હવે ત્રીજા આતંકીનો પણ સળગેલો મૃતદેહ મળી આવ્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા 15 દિવસથી સુરક્ષા દળો દ્વારા કિશ્તવાડ જિલ્લામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોને આતંકીઓની હાજરીના ઇનપુટ મળ્યા હતા, ત્યારબાદ આ વિસ્તારમાં એક્શન શરૂ કરવામાં આવ્યું હતું.
જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર પણ ઠાર
સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા દળોના આ ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ પણ માર્યો ગયો છે, જે એક કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આતંકી હતો. સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેની શોધમાં હતી. સેનાએ આતંકવાદીઓને ભાગતા રોકવા માટે વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સને સંપૂર્ણપણે સીલ કરી દીધા હતા. આ મહત્વપૂર્ણ ઓપરેશન માટે વધારાની સૈન્ય ટુકડીઓ પણ મોકલવામાં આવી હતી. આતંકીઓને શોધવા માટે એડવાન્સ ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદ પણ લેવામાં આવી હતી.