Jammu Kashmir Udhampur Blast: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ગુરુવારે (29 સપ્ટેમ્બર) આઠ કલાકની અંદર બસોમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ મામલાની તપાસ માટે NIAની ટીમ ઉધમપુર પહોંચી છે. એનઆઈએની ટીમે સૌપ્રથમ ઉધમપુરના ડુમાઈલ ચોકમાં થયેલા વિસ્ફોટની માહિતી મેળવી હતી. જે બાદ ટીમ ઉધમપુરના બસ સ્ટેન્ડ પર પહોંચી હતી અને તપાસ કરીને તમામ વિગતો મેળવી હતી.
ઉધમપુરમાં પહેલો વિસ્ફોટ બુધવારે મોડી રાત્રે ડોમેલ ચોકમાં ઉભેલી એક બસમાં થયો હતો. આ બ્લાસ્ટની ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા, જોકે બંને લોકોની સારવાર કરાઈ હતી અને હવે તેઓ ખતરાથી બહાર છે. આ બ્લાસ્ટમાં બસની છત અને પાછળનો ભાગ ઉડી ગયો હતો. જ્યારે બીજો વિસ્ફોટ સવારે 6 વાગ્યે એ જ વિસ્તારમાં રહેલી બીજી એક બસમાં થયો હતો. બીજા બ્લાસ્ટમાં સદભાગ્યે કોઈને ઈજા નથી પહોંચી.
સ્ટીકી બોમ્બનો કરાયો હતો ઉપયોગઃ
ઉધમપુરમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટોમાં સ્ટીકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. સ્ટીકી બોમ્બએ એક એવો બોમ્બ હોય છે જેને ગમે ત્યાં સરળતાથી ચોંટાડી શકાય છે. તેથી જ તેને સ્ટીકી બોમ્બ કહેવામાં આવે છે. પ્રાથમિક તપાસ બાદ જમ્મુ ક્ષેત્રના એડિશનલ ડીજીપી મુકેશ સિંહે કહ્યું કે, "પ્રાથમિક તપાસ મુજબ તે IED બ્લાસ્ટ હોવાનું જણાય છે. તપાસ ચાલુ છે, મહત્વનું છે કે, બસમાં થયેલો આ બ્લાસ્ટ વધુ તીવ્રતાનો હતો. તે સ્ટીકી બોમ્બ પણ હોઈ શકે છે."
જિલ્લા વહીવટીતંત્ર સામે વિરોધ
ડીજીપી મુકેશ સિંહે વધુમાં કહ્યું કે, "વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ સેનાની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ વિસ્ફોટના સ્થળે પહોંચી ગઈ હતી." બસમાં થયેલા આ વિસ્ફોટની ઘટના બાદ ઉધમપુર કોંગ્રેસ કાઉન્સિલર પ્રીતિ ખજુરિયાના નેતૃત્વમાં સ્થાનિક લોકોએ પણ જિલ્લા વહીવટીતંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.