Udhampur terrorist attack: CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની SOG ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં CRPF ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા. જણાવવામાં આવી રહ્યું છે કે બસંતગઢના દૂરના ડુડુ વિસ્તારમાં બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે આતંકવાદીઓએ CRPF અને વિશેષ કાર્યવાહી જૂથ (SOG) પર ગોળીબાર કર્યો હતો.


અધિકારીઓએ જણાવ્યું કે CRPF ની 187મી બટાલિયનના ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહને ગોળી વાગી હતી અને પછી હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે SOG ટીમ દ્વારા જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.




આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. પૂર્વવર્તી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં છેલ્લી વખત 2014માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.


14 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના ડોડામાં થયેલી અથડામણમાં સેનાના એક અધિકારી કેપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા. આ ઘટનામાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. છેલ્લા ઘણાં દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રશાસિત પ્રદેશમાં સતત થઈ રહેલી અથડામણો અને છુપાઈને થતા વધતા આતંકવાદી હુમલાઓ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દિલ્હીના સાઉથ બ્લોકમાં NSA અજીત ડોભાલ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે યોજાઈ હતી.


જમ્મુ વિસ્તારમાં છેલ્લા મહિનાઓમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈમાં, ડોડા જિલ્લામાં એક અથડામણમાં એક અધિકારી સહિત ચાર સૈનિકો અને એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM) સાથે જોડાયેલા એક અલગ જૂથ 'કાશ્મીર ટાઈગર્સ'એ લીધી હતી.


8 જુલાઈએ કઠુઆ જિલ્લાના વિકટ પહાડી વિસ્તારમાં સેનાના કાફલા પર છુપાઈને કરવામાં આવેલા હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા, જેમાં એક જુનિયર કમિશન અધિકારી પણ સામેલ હતા, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 6 જુલાઈએ કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ અથડામણો દરમિયાન સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા. દુઃખની વાત એ છે કે આ અથડામણો દરમિયાન બે સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.


આ પણ વાંચોઃ દેશમાં થઈ શકે છે ગૃહયુદ્ધ? એમપીના મંત્રી કૈલાસ વિજયવર્ગીયના દાવાથી ખળભળાટ