નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. સત્રના પ્રથમ દિવસે ગોરખપુરના સાંસદ અને એક્ટર રવિ કિશને બોલિવૂડમાં ડ્રગના વધતા ઉપયોગ અને તસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર એક્ટ્રેસ રહેલી સાંસદ જયા બચ્ચને પ્રતિક્રિયા આપી છે. તેણે કોઈનું નામ લીધા વગર કહ્યું કે, જે થાળીમાં ખાવ છો તેમાં જ છેદ કરો છો. જયા બચ્ચન રાજ્યસભા સાંસદ છે.

જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું, ગઈકાલે આપણા એક સાંસદ સભ્યએ લોકસભામાં બોલિવૂડ વિરુદ્ધ જે કહ્યું તે શરમજનક છે. હું કોઈનું નામ નથી લઈ રહી. તે ખુદ પણ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કરો છે. ખોટી વાત છે. મારે કહેવું પડી રહ્યું છે કે, ઈન્ડસ્ટ્રીને સરકારની સુરક્ષા અને સમર્થનની જરૂર છે.



રવિ કિશને સોમવારે લોકસભામાં કહ્યું હતું કે, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગની લત ઘણી વધારે છે. અનેક લોકોને પકડવામાં આવ્યા છે. એનસીબી સારું કામ કરી રહી છે. હું કેન્દ્ર સરકારને કડક કાર્યવાહી કરવા અને દોષીતોને ઝડપથી પકડી આકરી સજા આપવા અપીલ કરું છું.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ મામલે રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક જેલમાં છે. કંગના રાણાવતે સુશાંત કેસમાં ડ્રગ મામલાને લઈ ખુલાસો કરતા કહ્યું હતું, ઈન્ડસ્ટ્રીમાં 99 ટકા લોકો ડ્રગનો ઉપયોગ કરે છે. રિયાએ એનસીબીની પૂછપરછમાં બોલિવૂડની 25 સેલિબ્રિટીના નામ આપ્યા છે. જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહના નામ સામે આવી ચુક્યા છે.