પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ભલે બિહારમાં દારૂ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ તેમની પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જાહેરમાં દારૂ પીને કાયદાની મજાક ઉડાવી છે. બિયર પી રહેલા પૂર્વ ધારાસભ્ય લલન રાયનો વીડિયો વાયરલ થયા પછી તેમને ઔરંગાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. એક્સાઈઝ વિભાગે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા. જાણકારી મતે, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઔરંગાબાદ જિલ્લાના કુટુમ્બા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય લલન રાય માત્ર બોતલ હાથમાં રાખીને બિયર પી રહ્યા હતા. વીડિયોમાં વાતચીત દરમિયાન નીતિશ કુમારે લગાવેલી દારૂબંધીના નિર્ણયને નકામો ગણાવ્યો હતો. આ મામલે વિવાદ થતાં હવે ધારાસભ્યએ તેને કાવતરું ગણાવ્યું છે. વીડિયો વાયરલ થયા પછી પૂર્વ ધારાસભ્યે કહ્યું કે, તેને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ વીડિયો જૂનો હોઈ શકે છે, જેમાં ફેરફાર કરીને હવે ચલાવવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્યનો દારૂ પીતો વીડિયો વાયરલ થયા પછી વિપક્ષે નીતીશ કુમાર પર વળતો હુમલો કરી ઘેરવાની કોશિશ કરી હતી. કેદ્રીય મંત્રી રામકુપાલ યાદવે બુધવારે કહ્યું કે, બિહારમાં માત્ર દારૂબંદીનો પ્રચાર થઈ રહ્યો છે. દારૂબંધી કાયદાનો પુરી રીતે અમલ થઈ રહ્યો નથી. હવે જદયૂના લોકોને દારૂ પીતા જોઈ શકાય છે તો તેનાથી અંદાજો લગાવી શકાય છે કે બિહારમાં કેવા પ્રકારની દારૂબંધી છે. જો કે પોલીસ સુધી આ મામલો પહોંચ્યો નથી.