બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ જેડીયુએ આ વિરોધનો સૂર વ્યક્ત કરીને ભાજપને આંચકો આપ્યો છે. કૃષિ ખરડો રાજ્યસભામાં પસાર થઇ ગયો એ અંગે ત્યાગીએ આનંદ વ્યક્ત કર્યો પણ સાથે સાથે કહ્યું કે, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ( ટેકાના લઘુતમ ભાવ) કરતાં ઓછી કિંમતે સોદા થાય એને ગુનો ગણવો જોઇએ. એક એવો કાયદો ઘડાવો જોઇએ કે જેથી કોઇ પણ વ્યક્તિ ટેકાના લઘુતમ ભાવથી ઓછી કિંમતે કૃષિ પેદાશ ખરીદી ન શકે. આ બાબતને સજાપાત્ર ગુનો બનાવવો જોઇએ.
રાજ્યસભાના સાંસદ અને જેડીયુના પ્રવકતા ત્યાગીએ કહ્યું કે, સરકારે ખેડૂતોને પણ સાંભળવા જોઇએ કેમ કે અત્યારે જે કૃષિ ખરડા પસાર થયા છે એ પગલું એકપક્ષીય હતું. સરકારે ખેડૂતો સાથે ચર્ચા કર્યા પછી આ પગલું લેવું જોઇતું હતું. આ મુદ્દે નીતિશ કુમાર સાથે વાત કરીને વડા પ્રધાનને તમારો અભિપ્રાય જણાવ્યો છે એવું પૂછાતાં ત્યાગીએ કહ્યું કે ટેકાના લઘુતમ ભાવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવી ખાતરી વડા પ્રધાન આપી ચૂક્યા છે. વડા પ્રધાને સંસદમાં એવી ખાતરી આપી હતી કે આ મુદ્દાની અવગણના કરનારે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે એવું ગણાશે.