કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડ સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ વિશેની જાણકારી મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટ કરીને આપી છે.


સોરોને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામેની લડતમાં અમને તમારા સહયોગથી અપેક્ષિત સફળતા મળી છે પણ સંઘર્ષ હજુ ચાલુ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા ઝારખંડ સરકારે લોકડાઉન તારીખ 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તારીખ 22 માર્ચે લોકડાઉન લાગુ કર્યાં બાદ સમયાંતરે લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ ચાલુ રહેશે.

આ હેઠળ હવે ત્યાં હાલ ધાર્મિક સ્થળો નહીં ખુલે, સામાજિક, રાજનૈતિક, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સમારોહ અથવા મેળા અને મોટા કાર્યક્રમોનું આયોજન નહીં થાય. શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, પાર્ક, થિયેટર, સભાગૃહ સહિત અન્ય સ્થાન બંધ રહેશે. શોપિંગ મોલ, હોટેલ, લોજ, ધર્મશાળા અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સલૂન અને સ્પા પણ બંધ રહેશે.

રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જરૂરી ગતિવિધિઓ સિવાય અન્ય મૂવમેન્ટ બંધ રહેશે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક કાર્યોમાં 50થી વધુ લોકો ભેગા નહીં થાય.