jitan ram manjhi: બિહારમાં નવી સરકારની રચના બાદ ખાતાઓની ફાળવણીમાં એક મોટો અને ચોંકાવનારો ફેરફાર જોવા મળ્યો છે. વર્ષોથી મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે રહેતું ગૃહ મંત્રાલય (Home Ministry) આ વખતે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યું છે. આ મુદ્દે રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ થતાં કેન્દ્રીય મંત્રી અને HAM સુપ્રીમો જીતન રામ માંઝીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ નિર્ણયને રાજ્યના હિતમાં ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે ગઠબંધન સરકારમાં આવા ફેરફારો સામાન્ય છે અને કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે યુવા નેતૃત્વને તક મળવી જરૂરી હતી.
'ગૃહ મંત્રાલય CM પાસે જ હોવું જોઈએ, તેવો કોઈ કાયદો નથી'
નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળવા અંગે પ્રતિક્રિયા આપતા જીતન રામ માંઝીએ કહ્યું કે આ એક ગઠબંધન સરકાર છે અને અહીં પરસ્પર સમજૂતીથી નિર્ણયો લેવાય છે. તેમણે સ્વીકાર્યું કે પરંપરાગત રીતે બિહારમાં મુખ્યમંત્રી પાસે જ ગૃહ ખાતું રહેતું હતું, પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આવો કોઈ બંધારણીય કાયદો નથી કે ગૃહમંત્રી માત્ર મુખ્યમંત્રી જ હોઈ શકે. દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ અલગ મંત્રીઓ ગૃહ વિભાગ સંભાળે છે. તેથી આ બાબતને બિનજરૂરી રીતે ચગાવવી યોગ્ય નથી."
નીતિશ કુમારે કેમ લીધો આ નિર્ણય?
જીતન રામ માંઝીએ નીતિશ કુમારના બચાવમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કદાચ તેમના કામના ભારણને હળવું કરવા અથવા પોતાની સુવિધા માટે આ વિભાગ છોડ્યો હોઈ શકે છે. તેમણે કહ્યું, "નીતિશ કુમારે રાજ્યના ભલા માટે એક યુવા નેતા (સમ્રાટ ચૌધરી) પર વિશ્વાસ મૂક્યો છે. ઘણીવાર કાયદો અને વ્યવસ્થા (Law and Order) પર સવાલો ઉઠતા હોય છે. આવા સમયે માત્ર રિપોર્ટ્સ પર નિર્ભર રહેવાને બદલે, એક યુવા અને સક્રિય મંત્રી રૂબરૂ પરિસ્થિતિનો તાગ મેળવી શકશે અને ત્વરિત પગલાં લઈ શકશે."
ભાજપની જીત અને ખાતાની વહેંચણી
આ ફેરફારને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવાની સલાહ આપતા માંઝીએ ઉમેર્યું કે, અમારો ઉદ્દેશ્ય બિહારમાં વિકાસને વેગ આપવાનો છે અને તેના માટે કાયદો વ્યવસ્થા સુધરવી અનિવાર્ય છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ મોટી સંખ્યામાં બેઠકો જીતી છે, તેથી સ્વાભાવિક છે કે તેમને એક મહત્વપૂર્ણ અને વજનદાર ખાતું મળવું જોઈએ. સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગ સોંપવો એ ગઠબંધનની મજબૂતી અને પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે.
કોંગ્રેસની 'વોટ ચોરી' રેલી પર પ્રહાર
દિલ્હીમાં 14 December ના રોજ કોંગ્રેસ દ્વારા યોજાનારી "મત ચોરી" વિરુદ્ધની રેલી અંગે પૂછવામાં આવતા માંઝીએ વિપક્ષને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પાસે હવે એક જ રાગ છે. તેઓએ બિહારમાં પણ વોટ ચોરી અને EVM ના નામે હોબાળો કર્યો હતો, પરંતુ જનતાએ તેમને જાકારો આપ્યો છે. જો બિહારની જનતાને તેમની વાતમાં તથ્ય લાગ્યું હોત, તો NDA ને આટલો મોટો જનાદેશ ન મળ્યો હોત. કોંગ્રેસે રેલીઓ કરવાને બદલે જનાદેશનું સન્માન કરતા શીખવું જોઈએ."