જમ્મુઃ જમ્મુમાં રવિવારે અને સોમવારે કોરોનાના નવા 100 કેસો સામે આવતા તંત્રમાં હડકંપ મચી ગયો, આ મામલા બાદ તરતજ જિલ્લા તંત્રએ લગભગ અડધો ડઝન વિસ્તારોને રેડ ઝૉન જાહેર કરી દીધા હતા. હાલ આ તમામ વિસ્તારોને સીલ કરી દેવાયા છે, અને લોકોની અવરજવરને બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુના ડીએમ તરફથી જાહેર કરાયેલા આદેશમાં જમ્મુના ત્રિકુટા નગર, ગોરખા નગર, મીરા સાહિબના સિમ્બૉલ, મીરા સાહિબના ખારિયા ગામ, કાનાચકના કલ્યાણપુર અને કાનાચકના જ છન્ની મબાલિયા વિસ્તારોને રેડ ઝૉન જાહેર કરી દેવામાં આવ્યા છે.

આ આદેશ બાદ જમ્મુના ત્રિકુટા નગરના વોર્ડ 52, 53 અને 54માં આવનારા તમામ મહોલ્લાને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્રિકુટામાં એક ઇન્કમ ટેક્સના વકીલના મૃત્યુ બાદ તેના કોરોના હોવાની પુષ્ટી થઇ હતી. આ પછી પોલીસ અને તંત્ર હરકતમાં આવ્યુ અને આ વિસ્તારોને સીલ કરી દીધા હતા.



જમ્મુના ડીએમે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 અંતર્ગત સોમવારે આદેશ જાહેર કરીને આ વિસ્તારોને રેડ ઝૉન જાહેર કરી દીધો હતો. વળી આ વિસ્તારોને તંત્ર તરફથી રેડ ઝૉન જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલુ જ નહીં જમ્મુ નગર નિગમ તરફથી સેનિટાઇઝેશન અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.