નવી દિલ્હી: પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે સેના, CRPF અને અન્ય સુરક્ષા દળો સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું છે. અત્યંત સતર્કતા સાથે દિવસ-રાત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ અનંતનાગ જિલ્લામાં વિવિધ સ્થળોએ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં, લગભગ 175 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતા નેટવર્કને તોડી પાડવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.
અનંતનાગ પોલીસે કહ્યું કે અમે કોઈપણ સંભવિત આતંકવાદી હાજરીને ખતમ કરવા અને જિલ્લાને સુરક્ષિત કરવા માટે સુરક્ષા દળો સાથે મળીને કોર્ડન અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. અનંતનાગ પોલીસ જિલ્લામાં શાંતિ જાળવવા અને સામાન્ય સ્થિતિને ખોરવવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
લોકોને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા વિનંતી કરવામાં આવે છે
સુરક્ષાને વધુ વધારવા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા સંવેદનશીલ જિલ્લાઓમાં વધારાની મોબાઈલ વ્હીકલ ચેક પોસ્ટ (MVCPs) ની સ્થાપના કરવામાં આવી છે. લોકોનો સહકાર માંગવામાં આવ્યો છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તેમના નજીકના પોલીસ સ્ટેશનને કરવા સૂચના આપવામાં આવી છે.
ટ્રેકિંગ પર હાલ પૂરતો પ્રતિબંધ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં ટ્રેકિંગ એક્ટિવિટી આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ચંદનવારી, અરુ, બેતાબ વેલી અને બૈસરન ખીણ સહિત પહેલગામના ઉપરના વિસ્તારોમાં સ્થાનિક સત્તાવાળાઓએ પ્રવાસીઓ અને ટ્રેકર્સની અવરજવર પહેલાથી જ બંધ કરી દીધી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પહલગામના તમામ ઉપલા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની પ્રવાસી પ્રવૃત્તિ, ટ્રેકિંગ પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ માટે આવે છે. જેના કારણે આ વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી હતી. ઉનાળાની ઋતુમાં ભીડ વધે છે, કારણ કે તે સમયે બરફ પીગળી જાય છે અને ટ્રેકિંગના માર્ગો ખુલી જાય છે. હવે આ અચાનક પ્રતિબંધ માત્ર ટ્રેકિંગ પ્રેમીઓ માટે આંચકો નથી પરંતુ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે પણ પડકારજનક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ગાઈડ, કુલીઓ, હોમસ્ટેના માલિકો અને દુકાનદારો કે જેઓ મુખ્યત્વે ટ્રેકિંગ સીઝન પર નિર્ભર છે તેઓને પણ આ નિર્ણયની આર્થિક અસરનો સામનો કરવો પડી શકે છે. હાલ તો પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી બંધ રહેશે.