Jyoti Malhotra Pahalgam terror attack: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના ગંભીર આરોપસર હરિયાણાના હિસાર શહેરના રહેવાસી યુટ્યુબર અને ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં રવિવારે (૧૮ મે, ૨૦૨૫) હિસારના પોલીસ અધિક્ષક (SP) શશાંક કુમાર સાવને એક મહત્વપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું કે, જ્યોતિ મલ્હોત્રાનો પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંભવિત રીતે જોડાણ હોઈ શકે છે.
પહેલગામ હુમલા સમયે પાક. અધિકારી દાનિશના સંપર્કમાં હતી
હિસારના SP શશાંક કુમાર સાવને જણાવ્યું કે, પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તે સમયે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારી દાનિશના સતત સંપર્કમાં હતી. હરિયાણા પોલીસને કેન્દ્રીય એજન્સી તરફથી મળેલા ઇનપુટ્સના આધારે જ જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
પાકિસ્તાન અને ચીનની અનેક મુલાકાતો
પોલીસ અધિક્ષકે માહિતી આપી કે, જ્યોતિ મલ્હોત્રા ઘણી વખત પાકિસ્તાન ગઈ છે અને ચીન પણ ગઈ છે. હાલમાં તેને ૫ દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે અને કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે.
હુમલાના ૩ મહિના પહેલા પહેલગામની મુલાકાત લીધી હતી
જ્યોતિ મલ્હોત્રાના સોશિયલ મીડિયા પરના વીડિયો અનુસાર, તે પહેલગામ આતંકવાદી હુમલાના લગભગ ૩ મહિના પહેલા શ્રીનગર ગઈ હતી. આ સમય દરમિયાન તેણીએ પહેલગામની પણ મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, તાજેતરના ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પણ જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હતી. એટલું જ નહીં, પહેલગામ હુમલા પહેલા તે પાકિસ્તાનમાં હતી અને આ અંગે કોઈ જોડાણ હોય તો તેને સ્થાપિત કરવા માટે તપાસ ચાલી રહી છે.
સંવેદનશીલ માહિતી પહોંચાડવાની કબૂલાત, કલમો હેઠળ ગુનો દાખલ
ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રા પર જાસૂસી કરવા અને પાકિસ્તાની ઓપરેટિવ્સને સંવેદનશીલ માહિતી પહોંચાડવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાની ઓપરેટિવ્સ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાની કબૂલાત કરી છે, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ઓપિશિયલ સિક્રેટ્સ એક્ટ, ૧૯૨૩ની કલમ ૩ અને ૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા એક્ટ (૨૦૨૩)ની કલમ ૧૫૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.