Kailash Manasarovar Yatra 2025: હિંદુઓ, જૈનો અને બૌદ્ધો માટે અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ આ વર્ષે ૩૦ જૂન, ૨૦૨૫ થી થવા જઈ રહ્યો છે. કોવિડ મહામારી અને ચીન સાથેના તણાવ સહિતના કારણોસર વર્ષ ૨૦૨૦ થી આ યાત્રા સ્થગિત હતી. હવે યાત્રા ફરી શરૂ થવાની જાહેરાત સાથે શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

યાત્રાની દેખરેખ રાખનાર વિદેશ મંત્રાલય (Ministry of External Affairs - MEA) એ જાહેરાત કરી છે કે કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ૩૦ જૂનથી શરૂ થશે અને ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. મંત્રાલયે આ યાત્રા માટે અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અને અરજી માટેની વિન્ડો ખોલવામાં આવી છે.

યાત્રાનો રૂટ અને શ્રદ્ધાળુઓની સંખ્યા:

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે કુલ ૭૫૦ શ્રદ્ધાળુઓને કૈલાશ પર્વત અને માનસરોવર તળાવના પવિત્ર સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રા ૧૫ જૂથોમાં વહેંચીને યોજવામાં આવશે, જેમાં દરેક જૂથમાં ૫૦ યાત્રાળુઓ હશે.

યાત્રા માટે બે સત્તાવાર માર્ગોનો ઉપયોગ કરવામાં આવશે. ૫૦ યાત્રાળુઓને લઈને પાંચ બેચ ઉત્તરાખંડના લિપુલેખ પાસ થઈને જશે, જેનો ઉપયોગ ૧૯૮૧ થી કરવામાં આવી રહ્યો છે. જ્યારે, ૫૦-૫૦ યાત્રાળુઓની ૧૦ બેચ સિક્કિમના નાથુ લા પાસ થઈને જશે, જેનો ઉપયોગ ૨૦૧૫ થી શરૂ થયો છે.

ઓનલાઈન અરજી પ્રક્રિયા:

કૈલાશ માનસરોવર યાત્રા પર જવા ઈચ્છુક રસ ધરાવતા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વિદેશ મંત્રાલયે અરજીઓ સ્વીકારવા માટે વેબસાઇટ https://kmy.gov.in ને કાર્યરત કરી દીધી છે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વાજબી, કમ્પ્યુટર-જનરેટેડ અને લિંગ-સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા અરજદારોમાંથી યાત્રાળુઓની પસંદગી કરવામાં આવશે. સમગ્ર અરજી પ્રક્રિયાથી લઈને યાત્રાળુઓની પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે. તેથી, અરજદારોએ માહિતી મેળવવા અથવા અન્ય કોઈ હેતુ માટે પત્રો કે ફેક્સ મોકલવાની જરૂર નથી. વેબસાઇટ પર આપવામાં આવેલા પ્રતિસાદ વિકલ્પોનો ઉપયોગ માહિતી મેળવવા, ટિપ્પણીઓ નોંધાવવા અથવા સુધારણા માટે સૂચનો કરવા માટે થઈ શકે છે.

કૈલાશ માનસરોવર યાત્રાનું ધાર્મિક મહત્વ ખૂબ જ ઊંચું છે અને દર વર્ષે હજારો યાત્રિકો આ પવિત્ર સ્થળની મુલાકાતે આવતા હોય છે. પાંચ વર્ષના વિરામ બાદ યાત્રા ફરી શરૂ થવાથી ભક્તોમાં આનંદનો માહોલ છે અને મોટી સંખ્યામાં લોકો અરજી કરે તેવી અપેક્ષા છે.