Kalyan Building Slab Collapse: મુંબઈની નજીક આવેલા કલ્યાણમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ઇમારતનો સ્લેબ પડવાથી 6 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડવાને કારણે આ અકસ્માત થયો હતો. હજુ પણ એક વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલી હોવાની આશંકા છે અને તેને બચાવવાના પ્રયાસો ચાલુ છે. લોકમતમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કેડીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમારતને 'ખતરનાક' જાહેર કરવામાં આવી હતી અને ચોમાસા પહેલા તેને ખાલી કરાવવાની હતી. KDMC સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસા પહેલા જગ્યા ખાલી કરવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ અકસ્માત સમયે લોકો હજુ પણ ઇમારતમાં હાજર હતા.
બીજી તરફ, અકસ્માત અંગે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચે કોઈ દટાયેલું છે કે કેમ તે જાણવા માટે શોધખોળ ચાલી રહી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આવી ઘણી ઇમારતો છે અને તે જર્જરિત હાલતમાં છે.
કલ્યાણ તહસીલદાર સચિન શેજલે જણાવ્યું હતું કે હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલી હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે જીતેન્દ્ર ગુપ્તા અને વેંકટ ચવ્હાણ સપ્તશ્રૃંગી બિલ્ડિંગના ચોથા માળે કામ કરી રહ્યા હતા. જીતેન્દ્ર ગુપ્તા બપોરના ભોજન માટે બહાર ગયા હતા ત્યારે સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે તેમનો જીવ બચી ગયો. ઇમારત ધરાશાયી થતાં જ તેનો મિત્ર વેંકટ કાટમાળમાં ફસાઈ ગયો. અકસ્માત જોઈને લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી.
માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કાટમાળમાં કુલ 10 લોકો ફસાયા હતા. જેમાંથી છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.