અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે એક કેસની સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી હતી કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે 'કન્યાદાન' એ જરૂરી પ્રથા નથી. હાઈકોર્ટે આશુતોષ યાદવ દ્વારા દાખલ કરાયેલી રિવિઝન અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે એક્ટ મુજબ, માત્ર 'સપ્તપદી' (સાત ફેરા) જ હિન્દુ લગ્નની આવશ્યક વિધિ છે. આ ટિપ્પણી જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની સિંગલ બેન્ચે કરી હતી.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આશુતોષ યાદવે પોતાના સાસરિયાઓ તરફથી દાખલ વૈવાહિક વિવાદ સાથે સંબંધિત એક ફોજદારી કેસ લડતા 6 માર્ચે લખનઉની એડિશનલ સેશન્સ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પોતાની અરજી દ્વારા તેણે કોર્ટને આ કેસમાં બે સાક્ષીઓને ફરીથી સમન્સ મોકલવાની વિનંતી કરી હતી. કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે હાઈકોર્ટનું શરણ લીધું હતું.
અરજદાર વતી હાઇકોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તેની પત્નીનું કન્યાદાન થયું હતું કે નહી તે પ્રસ્થાપિત કરવા ફરિયાદી સહિત ફરિયાદ પક્ષના સાક્ષીઓને ફરીથી બોલાવવા જરૂરી છે. તેના પર હાઈકોર્ટે હિંદુ મેરેજ એક્ટની કલમ 7 નો ઉલ્લેખ કર્યો જે અંતર્ગત સપ્તપદી એટલે કે 'સાફ ફેરા'ને હિંદુ લગ્ન માટે ફરજિયાત પરંપરા માનવામાં આવે છે.
જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ કહ્યું, 'હિન્દુ મેરેજ એક્ટની કલમ 7માં ઉલ્લેખિત જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કન્યાદાન થયું કે નહીં તે પ્રશ્ન સુસંગત નથી. કારણ કે અધિનિયમ મુજબ, હિન્દુ લગ્ન માટે કન્યાદાન ફરજિયાત શરત નથી. કાયદામાં સપ્તપદી એટલે કે સાફ ફેરાને હિન્દુ લગ્ન સંપન્ન થવા માટે આવશ્યક ધાર્મિક વિધિ માનવામાં આવે છે. તેથી સાક્ષીઓને ફરીથી બોલાવવાની જરૂર નથી. તેથી રિવિઝન પિટિશન ફગાવી દેવામાં આવે છે.
હિન્દુ લગ્નમાં કન્યાદાનની પરંપરા શું છે?
આ ધાર્મિક વિધિનું મહત્વ વૈદિક યુગથી છે, જેમાં વરને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, જ્યારે કન્યાને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. 'કન્યાદાન' વિધિ કન્યાના પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે તેના માતા-પિતા પોતાની દીકરીને મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિને સાક્ષી માનીને વરને અર્પણ કરે છે. કન્યાદાનનો અર્થ છોકરીનું દાન નથી પણ વિનિમય છે. આદાન એટલે લેવું કે ગ્રહણ કરવું. હિંદુ લગ્ન દરમિયાન, કન્યાનું આદાન કરતા પિતા વરને કહે છે, 'અત્યાર સુધી મેં મારી પુત્રીનું પાલન-પોષણ કર્યું છે અને તેની જવાબદારી નિભાવી છે. આજથી હું મારી દીકરીને તને સોંપું છું. આ પછી વર તેના પિતાને પુત્રીની જવાબદારી નિભાવવાનું વચન આપે છે. આ રીતે વર દીકરી પ્રત્યે પિતાની જવાબદારીઓ સ્વીકારે છે. આ વિધિને કન્યાદાન કહેવામાં આવે છે. કન્યાદાન સુધી કન્યાના માતા-પિતા ઉપવાસ રાખે છે.
હિન્દુ લગ્નમાં સાત ફેરાની પરંપરા શું છે?
હિન્દુ લગ્ન સાત ફેરા વિના પૂર્ણ માનવામાં આવતા નથી. હિન્દુ શાસ્ત્રો અનુસાર, આ સાત ફેરા પતિ-પત્નીના સંબંધોમાં સ્થિરતાના મુખ્ય સ્તંભ માનવામાં આવે છે. તેને સંસ્કૃતમાં સપ્તપદી કહે છે. લગ્ન દરમિયાન, વર અને કન્યા અગ્નિને સાક્ષી માનીને સાત ફેરાની સાથે સાત વચન અથવા સંકલ્પ લે છે, જેનું તેઓએ જીવનભર પાલન કરવાનું હોય છે. પ્રથમ વચનમાં વરરાજા પ્રતિજ્ઞા લે છે કે તે કોઈપણ તીર્થયાત્રા અથવા ધાર્મિક કાર્ય દરમિયાન તેની ભાવિ પત્નીને હંમેશા તેની ડાબી બાજુએ સ્થાન આપશે. બીજા વચનમાં વરરાજા પ્રતિજ્ઞા લે છે કે તે કન્યાના માતા-પિતાનો આદર કરશે જેમ તે પોતાના માતા-પિતાનો આદર કરે છે. ત્રીજા વચનમાં કન્યા તેના જીવનસાથીને કહે છે કે જો તે તેને અનુસરવાની અને દરેક પરિસ્થિતિમાં તેની સંભાળ રાખવાની પ્રતિજ્ઞા લે, તો તે તેની ઇચ્છા મુજબ આવવા તૈયાર છે.
ચોથા વચનમાં કન્યા તેના વરને કહે છે કે લગ્ન પછી તારી જવાબદારીઓ વધી જશે. જો તમે આ બોજ ઉઠાવવાનો સંકલ્પ કરો તો હું તમારી વિનંતી પર આવવા તૈયાર છું. પાંચમા વચનમાં કન્યા વરને કહે છે કે લગ્ન પછી, ઘરનું કોઈ પણ કામ, લેવડ-દેવડ કે પૈસા ખર્ચ કરતાં પહેલાં, જો તું મારી સાથે એક વાર અવશ્ય ચર્ચા કર, તો હું તારી ઈચ્છા પ્રમાણે આવવા તૈયાર છું. છઠ્ઠા વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે હંમેશા તેનું સન્માન કરશે. તે ક્યારેય બીજાની સામે તેનું અપમાન નહીં કરે કે પોતાને કોઈ ખરાબ કૃત્યમાં ફસાવશે નહીં કે તેને સામેલ કરશે નહીં. સાતમા વચનમાં કન્યા વરરાજા પાસેથી સંકલ્પ માંગે છે કે ભવિષ્યમાં તે કોઈ અજાણી સ્ત્રીને તેમના સંબંધો વચ્ચે આવવા દેશે નહીં અને તેની પત્ની સિવાયની દરેક સ્ત્રી સાથે માતા અને બહેનની જેમ વર્તે છે.