દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક બાજુ બધાની સામે હોય છે જે બધાને દેખાય છે. જ્યારે બીજી બાજુ તેની પાછળ હોય છે જે બધાને નથી દેખાતી. જો કે, ક્યારેક એવું પણ બને છે કે આ બીજી બાજુ લોકોની સામે આવે છે ત્યારે ખબર પડે છે કે પહેલી બાજુ કરતાં ઘણી સારી છે. કંઈક આવું જ રાજસ્થાનના કરૌલીમાં થયું છે. કરૌલીમાં શનિવારે થયેલી હિંસા દુનિયાએ જોઈ પરંતુ આ ઘટનાની હિંસક તસવીરો વચ્ચે એક ફોટો એવો પણ વાયરલ થયો જેણે સાબિત કર્યું કે માનવતા હજી પણ જીવે છે. હિંસા વચ્ચે પણ માનવતાની જ્યોત ચાલુ રાખનાર આ વ્યક્તિ એટલે રાજસ્થાન પોલીસમાં ફરજ બજાવતા કોન્સટેબલ નેત્રેશ શર્મા. આ પોલીસકર્મીનો ફોટો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો કે તેને રાજસ્થાનના મુખ્યમંત્રીએ મોટું ઈનામ પણ આપી દીધું. 


નેત્રેશ શર્મા કરૌલી શહેર પોલીસ ચોકીમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. કરૌલીમાં હિંસા થવાની ઘટના બનતાં જ પોલીસને સુચના મળી અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં આગજની અને પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. આ બધાની વચ્ચે કોન્સટેબલ નેત્રેશની નજર એક દુકાન પર પડી જેમાં બે મહિલાઓ અને એક માસુમ બાળકીઓ ફસાયેલી હતી. નેત્રેશે પોતાના જીવની પરવાહ કર્યા વગર દુકાનમાં અંદર કૂદી ગયા અને બંને મહિલાઓ અને બાળકીને બહાર કાઢી હતી. આ દરમિયાન નાની બાળકીને પોતાના ખોળામાં ઉંચકી લઈને જતા નેત્રેશ શર્માનો ફોટો કોઈએ ક્લિક કરી લીધો હતો. અને આ જ ફોટો બાદમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. 






પોલીસ કોન્સટેબલ નેત્રેશ શર્માનો આ ફોટો ખૂબ વાયરલ થયો ત્યારે રાજસ્થાન સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નેત્રેશની ઘણી પ્રસંશા કરી અને સાથે જ ઈનામ પણ આપ્યું. ગહેલોતે નેત્રેશને પ્રમોશન આપીને હેડ કોન્સટેબલ બનાવવાની જાહેરાત પણ સોશિયલ મીડિયામાં કરી હતી.