Karnataka Congress CLP Meeting: કર્ણાટકમાં  સિદ્ધારમૈયા કોંગ્રેસ ધારાસભ્ય  દળના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ગુરુવારે (18 મે) સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. CLP નેતા તરીકે ચૂંટાયા બાદ સિદ્ધારમૈયા રાજ્યપાલને મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યો.






રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને ટીમના સભ્યો સાથે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. શપથ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સિદ્ધારમૈયાને ચૂંટવાનો પ્રસ્તાવ ડીકે શિવકુમાર દ્વારા મૂકવામાં આવ્યો હતો.  જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો.


અગાઉ  ઘણા દિવસોના મંથન પછી  કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી.  કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. સિદ્ધારમૈયા અને શિવકુમારની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે.


કર્ણાટકમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે કોંગ્રેસમાં છેલ્લા ત્રણ દિવસથી ઉગ્ર મંથન ચાલી રહ્યું હતું. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે બુધવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ સિવાય બંને નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હતી. ખડગેએ બુધવારે મોડી રાત સુધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા સાથે પરામર્શ કર્યો અને પછી ગુરુવારે સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.



સિદ્ધારમૈયા પહેલા પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે


સિદ્ધારમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે અને મે 2013 થી મે 2018 વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસના સંકટમોચન કહેવાતા શિવકુમાર વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 બેઠકો મળી હતી.  


શપથ ગ્રહણ સમારોહમાં આ નેતાઓને અપાયું આમંત્રણ


કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ બોલાવવામાં આવ્યા છે. જેમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુખુને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસના ઝારખંડના સીએમ હેમંત સોરેન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, એસપી ચીફ અખિલેશ યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, બિહારના સીએમ નીતીશ કુમાર, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસી ચીફ ફારૂક અબ્દુલ્લાએ આમંત્રણ આપવામાં આવ્યું છે.


નવીન પટનાયકની બીજેડી અને કેસીઆરની બીઆરએસને આમંત્રિત કરવામાં આવશે નહીં. આમ આદમી પાર્ટી અને બસપાને લઇને હજુ વિચારણા કરવામાં આવી રહી છે. અન્ય તમામ વિરોધ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત કરતા કર્ણાટકના કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે અમારા તમામ સહયોગીઓને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. જે લોકો લોકશાહી માટે લડવા અને બંધારણ બચાવવા માંગતા હોય તેઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.