કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે હાઇકમાન્ડે ડીકે શિવકુમાર અને મને બંનેને મળવા કહ્યું છે. તેથી મેં તેમને નાસ્તા માટે આમંત્રણ આપ્યું છે. જ્યારે તેઓ આવશે ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. હાઇકમાન્ડ જે પણ નિર્ણય લેશે અમે તેને સ્વીકારીશું. હું આજે પણ એ જ કહી રહ્યો છું અને કાલે પણ એ જ કહીશ. તેમણે એમ પણ કહ્યું કે હાઇકમાન્ડનો નિર્ણય બધાને સ્વીકાર્ય રહેશે.
સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો કે જો હાઇકમાન્ડ બોલાવશે તો તેઓ દિલ્હી પણ જશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવતીકાલે (29 નવેમ્બર, 2025) બેંગલુરુમાં રૂબરૂ વાતચીત કરે તેવી શક્યતા છે.
વિવાદ વચ્ચે સિદ્ધારમૈયાના પુત્રનું નિવેદન
રાજ્યમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે કર્ણાટક વિધાન પરિષદના સભ્ય અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું, "પાર્ટી હાઇકમાન્ડે અમને મુખ્યમંત્રી પરિવર્તન અંગે કોઈ માહિતી આપી નથી. જો આવી કોઈ ઘટના બને તો તેઓ અમને ફોન કરીને ચર્ચા કરશે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા જોઈએ, પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. હાઇકમાન્ડે કહ્યું કે તેઓ બંનેને બોલાવીને ચર્ચા કરશે તેથી કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ."
જ્યારે યતીન્દ્ર સિદ્ધારમૈયાને કર્ણાટકમાં વોક્કાલિગા સમુદાય દ્વારા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગણી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "મેં પહેલેથી જ કહ્યું છે કે અમારી પાર્ટી નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે. કોઈ બહારના વ્યક્તિને આ અંગે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી."
મુખ્યમંત્રી પદના વિવાદ પર ડીકે શિવકુમારનું નિવેદન
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું, "હું ચોક્કસ દિલ્હી જઈશ. તે અમારા માટે મંદિર જેવું છે. કોંગ્રેસનો લાંબો ઇતિહાસ છે, અને દિલ્હી હંમેશા અમારુ માર્ગદર્શન કરશે. જ્યારે તેઓ મને, પાર્ટીના નેતાઓને અને મુખ્યમંત્રીને બોલાવશે ત્યારે અમે ચોક્કસપણે ત્યાં જઈશું."