KH Muniyappa Profile: કૉંગ્રેસના દિગ્ગજ નેતા કેએચ મુનિયપ્પાનું નામ તે 8 ધારાસભ્યોમાં સામેલ હતું જે કેબિનેટ મંત્રી બનવાની પ્રથમ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. તેમણે 20 મેના રોજ કર્ણાટકની કૉંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં સિદ્ધારમૈયા સરકારના ભવ્ય શપથ ગ્રહણ દરમિયાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને અને અન્ય 7 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ પહેલા સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આવો  મુનિયપ્પાની જાતિ, વિધાનસભા બેઠક, રાજકીય કારકિર્દી અને સંપત્તિ વિશે વિગતવાર જાણીએ.


કેએચ મુનિયપ્પાની પ્રોફાઇલ


તેમનું પૂરું નામ કમ્બદહલ્લી હનુમપ્પા મુનિયપ્પા છે. તેમનો જન્મ 7 માર્ચ, 1948ના રોજ કર્ણાટકના કમમધલ્લી શિદલઘટ્ટા જિલ્લામાં થયો હતો. તે મદિગા (સક્કિલ્યાર) સમુદાયના છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા છે. આ ઉપરાંત  તેઓ ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સ્વતંત્ર હવાલા સાથે રાજ્યમંત્રી હતા. 1991 થી 2019 સુધી  તેઓ સતત સાત વખત કર્ણાટકના કોલાર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી લોકસભામાં સંસદ સભ્ય હતા.


28 મે, 2009 ના રોજ  તેમને ભારતના રાષ્ટ્રપતિ  પ્રતિભા પાટીલ દ્વારા અન્ય 59 મંત્રીઓ સાથે પદના શપથ લેવડાવ્યા હતા. તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય રાજ્ય મંત્રીની જવાબદારી સંભાળી હતી. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. મુનિયપ્પા 2019ની ચૂંટણીમાં તેમના હરીફ એસ મુનિસ્વામી સામે એક લાખથી વધુ મતોથી હારી ગયા હતા.


મુનિયપ્પાની મિલકત


આ વખતે ચૂંટણીના સોગંદનામા મુજબ કેએચ મુનિયપ્પાની કુલ સંપત્તિ 59.6 કરોડ રૂપિયા છે. જેમાં જંગમ સંપત્તિ રૂ. 23.3 કરોડ અને સ્થાવર મિલકત રૂ. 36.4 કરોડ દર્શાવવામાં આવી હતી. તેમની ઉપર રૂ  27.7 કરોડનું દેણુ બાકી છે.  


ડીકે શિવકુમાર સૌથી અમીર મંત્રી છે


સિદ્ધારમૈયા કેબિનેટમાં સામેલ થયેલા ધારાસભ્યોની વાત કરીએ તો  બધા કરોડપતિ છે. ડીકે શિવકુમાર પાસે સૌથી વધુ 1,413 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ડીકે શિવકુમારે પોતાના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની અને તેમના પરિવારની કુલ 1413 કરોડની સંપત્તિ છે. તેમની પાસે રૂ. 273 કરોડની જંગમ સંપત્તિ છે. તેમાંથી 240 કરોડની જંગમ મિલકત એકલા શિવકુમારના નામે છે, જ્યારે લગભગ 20 કરોડની સંપત્તિ તેમની પત્નીના નામે છે.


મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કયા સમાજના છે ?


મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કુરુબા સમાજમાંથી આવે  છે અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વોક્કાલિગા સમાજના છે. મંત્રીપદની સાથે સાથે કોંગ્રેસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદ માટે જ્ઞાતિના સમીકરણો ગોઠવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.