એર એશિયાની એક ફ્લાઇટ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વિના ગુરુવારે કેમ્પેગૌડા એરપોર્ટ (KIA) પરથી ઉડાણ ભરી હતી. રાજભવનનો આરોપ છે કે રાજ્યપાલ સમયસર પહોંચી ગયા હતા તેમ છતાં તેમને ફ્લાઈટમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. રાજ્યપાલે તેમના પ્રોટોકોલ અધિકારીઓને એરલાઈન સામે કાર્યવાહી શરૂ કરવા કહ્યું છે.


આ મામલામાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના પ્રોટોકોલ ઓફિસરે એરલાઈન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે ક્રૂ મેમ્બરોએ ગવર્નર થાવર ચંદ ગેહલોતને એર એશિયા ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવા દીધા ન હતા. વિમાને બપોરે લગભગ 2.05 વાગ્યે હૈદરાબાદ માટે એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી.


રાજ્યપાલને રાહ જોવડાવામાં આવી - રાજભવન


રાજભવનના પ્રોટોકોલ ઓફિસર વેણુગોપાલે જણાવ્યું હતું કે રાજ્યપાલ લગભગ 1.35 વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા હતા. પ્રોટોકોલ મુજબ તેમની પાસે Z+  કેટેગરીની સુરક્ષા છે. આવી સ્થિતિમાં તેમને છેલ્લે પ્લેનમાં બેસવાનું હતું. તેમણે કહ્યું કે તેઓ પ્લેનની પાસે ગયા અને સામાન ગ્રાઉન્ડ હેન્ડલરને સોંપ્યો હતો. ટર્મિનલ 1 થી પ્લેન સુધી પહોંચવામાં સમય લાગે છે. ગવર્નર 2:06 વાગ્યે ફ્લાઇટમાં પહોંચ્યા જ્યારે ફ્લાઇટનો નિર્ધારિત ટેક-ઓફ સમય 2:05 હતો. જોકે, પ્લેનના દરવાજા ખુલ્લા હતા છતાં ઘણી વિનંતીઓ કરી હોવા છતાં રાજ્યપાલને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


તેમણે કહ્યું કે રાજ્યપાલને 10 મિનિટ રાહ જોવા માટે કહેવામાં આવ્યું. આ પછી ફ્લાઈટે 2:27 વાગ્યે ઉડાણ ભરી હતી. એરલાઇન્સ વિરુદ્ધ દેવનહલ્લી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગવર્નર ગેહલોતને એરએશિયાની ફ્લાઈટથી હૈદરાબાદ જવાનું હતું. અહીંથી તેમને દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે રોડ માર્ગે રાયચુર જવાનું હતું.


એરએશિયાએ આ વિવાદ પર શું કહ્યુ


આ વિવાદ પછી એર એશિયાએ કહ્યું હતું કે અમને આ ઘટના પર ખૂબ જ અફસોસ છે. આ અંગે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એરલાઇનની વરિષ્ઠ ટીમ આ મામલે રાજભવનના સંપર્કમાં છે. પ્રોટોકોલનું પાલન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે અને અમે ગવર્નર ઑફિસ સાથેના અમારા સંબંધોની કદર કરીએ છીએ.