Karnataka Government Formation: શપથ ગ્રહણ સમારોહ શનિવારે કર્ણાટકમાં યોજાશે. આ પહેલા સીએમ બનવા જઈ રહેલા સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ બનવા જઈ રહેલા ડીકે શિવકુમાર આજે ફરી એકવાર દિલ્હી પહોંચતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. શિવકુમારે કહ્યું હતું કે, હું અહીં મારા નેતાઓને વ્યક્તિગત રીતે આમંત્રણ આપવા આવ્યો છું કારણ કે, તેમને આ મામલે ભારે મહેનત કરી છે. જો કે કેબિનેટમાં સામેલ કરવા માટેના મંત્રીઓના નામ પર બંને નેતાઓ પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત કરવા પણ આવ્યા છે. આ અંગે બંને નેતાઓ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલના ઘરે પહોંચ્યા છે.


આજ રોજ યોજાયેલી બેઠકમાં સિદ્ધારમૈયાને ઔપચારિક રીતે કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. દિલ્હી જતા પહેલા શિવકુમારે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા, કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા અને હું દિલ્હી જઈશું. અમે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળીશું અને કેબિનેટની રચના અંગે ચર્ચા કરીશું.


શું છે પડકાર?


શિવકુમારે કહ્યું હતું કે, કેબિનેટ વગેરે નિર્ણય વિશે તમને બાદમાં ખબર પડશે. અમે તમને કહ્યા વિના કંઈ કરીશું નહીં, કોઈ અટકળોની જરૂર નથી. અમે સાથે મળીને કામ કરીશું. સિદ્ધારમૈયા સામેનો પહેલો પડકાર યોગ્ય સંતુલન સાથે કેબિનેટની રચના કરવાનો હશે, જે તમામ સમુદાયો, ધર્મો, વર્ગો અને જૂની અને નવી પેઢીના ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરશે.


કર્ણાટક કેબિનેટમાં મંત્રીઓની સ્વિકૃત સંખ્યા 34 છે અને ઘણા ધારાસભ્યો મંત્રીપદની આકાંક્ષા રાખે છે. કર્ણાટકના લોકોના અવાજને સરકારનો અવાજ ગણાવતા શિવકુમારે કહ્યું હતું કે, અમારા તમામ રાષ્ટ્રીય નેતાઓ (શપથગ્રહણ સમારોહ માટે) આવી રહ્યા છે. અમે પહેલી જ કેબિનેટ બેઠકમાં અમારી તમામ ગેરંટીનો અમલ કરીશું. અમે અમારું વચન પૂરું કરીશું.


કયા વિપક્ષી નેતાઓને બોલાવવામાં આવ્યા?


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના શપથ ગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ એચ. અખિલેશ યાદવ, નેશનલ કોન્ફરન્સ ભાજપના નેતા ફારૂક અબ્દુલ્લા, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને કેટલાક અન્ય વિપક્ષી નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.