PM Modi slams Rahul Gandhi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબલી-ધારવાડમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે લિંગાયત સમુદાયના સમાજ સુધારક બસવેશ્વર ભગવાનનો ઉલ્લેખ કરીને ઈશારા ઈશારામાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી હાલ લંડન છે અને તેમણે ભારત અને ભારત સરકાર પર અનેક સવાલ ઉભા કર્યા હતાં. 


પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે હું ભગવાન બસવેશ્વરની ભૂમિ પર આવ્યો છું, તેથી હું વધુ ધન્યતા અનુભવી રહ્યો છું. ભગવાન બસવેશ્વર દ્વારા આપવામાં આવેલા અનેક યોગદાન પૈકી, અનુભવ મંડપમની સ્થાપના મુખ્ય છે. આ લોકતાંત્રિક પ્રણાલીનો સમગ્ર વિશ્વમાં અભ્યાસ કરવામાં આવે છે અને એવી ઘણી બાબતો છે જેના કારણે અમે દાવા સાથે કહીએ છીએ કે ભારત માત્ર લાર્જર ડેમોક્રેસી જ નહીં પરંતુ લોકશાહીની માતા પણ છે.


લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાને અર્પણ કરી


પીએમએ વધુમાં કહ્યું હતું કે, આ મારું સૌભાગ્ય હતું કે મને થોડા વર્ષો પહેલા લંડનની ધરતી પર ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાની તક મળી. પરંતુ ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવવાનું કામ લંડનમાં જ થયું તે કમનસીબી છે. ભારતની લોકશાહીના મૂળ આપણા સદીઓના ઈતિહાસથી જળવાયા છે. વિશ્વની કોઈપણ શક્તિ ભારતની લોકશાહીની પરંપરાઓને નુકસાન પહોંચાડી શકે નહીં. તેમણે રાહુલ ગાંધીનું નામ લિધા વગર જ ચાબખા મારવાનું યથાવત રાખતા કહ્યું હતું કે, લંડનમાં બેઠેલા કેટલાક લોકો ભારતના લોકતંત્ર પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે.


રાહુલ પર નિશાન સાધતા PMએ વધુમાં કહ્યું હતું કે, આમ છતાં કેટલાક લોકો ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવી રહ્યાં રહ્યા છે. આવા લોકો ભગવાન બસવેશ્વરનું અપમાન કરી રહ્યા છે. આ કર્ણાટકના લોકોનું અપમાન છે. આ ભારતની મહાન પરંપરાનું અપમાન છે. કર્ણાટકની જનતાએ પણ આવા લોકોથી સાવધાન રહેવું પડશે.


PM મોદીએ કર્ણાટકના હુબલીમાં વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં હુબલીમાં વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું ઉદ્ધાટન કર્યું હતું.  આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન પીએમની કર્ણાટક મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.


રેલવે પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કર્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધારુધા સ્વામી  હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ રેકોર્ડને તાજેતરમાં 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. લગભગ 20 કરોડના ખર્ચે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. તેની લંબાઈ 1,507 મીટર છે. આ પ્લેટફોર્મ રેલવે દ્વારા રિમોડલિંગ સ્ટેશનોની પહેલના ભાગરૂપે રૂ. 20.1 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવ્યું છે.


રેલ્વે પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું


સિદ્ધારુધા સ્વામી રેલ્વે સ્ટેશન પર 1.5 કિમી લાંબા રેલ્વે પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તે પૂર્ણ થયું છે. સ્ટેશન કર્ણાટકમાં એક મહત્વપૂર્ણ જંકશન છે અને બેંગલુરુ (દાવનગેરે બાજુ), હોસાપેટે (ગડાગ બાજુ) અને વાસ્કો-દા-ગામા/બેલાગવીને જોડે છે.