Karnataka Assembly Election 2023 : કર્ણાટકના ચૂંટણી પરિણામો આવ્યાને ત્રણ દિવસ વીતી ગયા છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનું નામ નક્કી કરી શકી નથી. મુખ્યમંત્રી પસંદ કરવાની આ કવાયત બેંગલુરુથી ઘણા નેતાઓને છેક દિલ્હી સુધી લઈ આવી છે. મુખ્યમંત્રીની રેસમાં બે નામ સૌથી આગળ છે. એક છે કોંગ્રેસ પાર્ટીના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર તો બીજા છે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા. આ સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પાર્ટી નેતાઓની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીના ટોચના નેતાઓ આ બંને નેતાઓની પસંદગીને લઈને અલગ અલગ મંતવ્યો ધરાવે છે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલે સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું છે. જ્યારે સોનિયા ગાંધીની પહેલી પસંદ ડીકે શિવકુમાર છે. તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક પણ નિર્ણય પર પહોંચ્યા નથી. તે તમામ નેતાઓ સાથે વાત કર્યા બાદ જ કોઈ એકનું નામ નક્કી કરશે.


મોટા ભાગના ધારાસભ્યો સિદ્ધારમૈયા સાથે 


કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના ડીકે શિવકુમાર સાથે સારા સંબંધો છે. જ્યારે રાજ્યના મોટાભાગના ધારાસભ્યો સિદ્ધારમૈયા સાથે હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત રણદીપ સુરજેવાલા પણ બંને નેતાઓ અંગે તટસ્થ છે.


ખડગે બંને નેતાઓને અલગ-અલગ મળવાની યોજના છે. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ ખડગેએ બંને નેતાઓને અલગ-અલગ મળવાનો સમય આપ્યો છે. સિદ્ધારમૈયાને 6 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે ડીકે શિવકુમારને 5 વાગ્યે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે.


'અમે સિદ્ધારમૈયા માટે કોંગ્રેસને મત આપ્યો'


ઉલ્લેખનીય છે કે, કર્ણાટક પ્રદેશ કુરુબા સંઘે સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની માંગ કરી છે. કુરબા સંઘનું કહેવું છે કે, તે તમામ પછાત વર્ગના લોકોને મદદ અને ઉત્થાન કરી શકે છે. સંગઠને એમ પણ કહ્યું કે, તેઓએ કોંગ્રેસને માત્ર સિદ્ધારમૈયાના નેતૃત્વ માટે જ મત આપ્યો છે. જોકે કુરબા સંઘે પણ ડીકે શિવકુમારના પ્રયાસો માટે ઘણી મહેનત કરી છે. સિદ્ધારમૈયા પણ કુરુબા સમુદાયના છે.


 


આખરે કોના માથે મુખ્યમંત્રીનો તાજ સજે છે તે તો સમય જ બતાવશે પરંતુ હાલ સ્થિતિ એ છે કે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને લઈને કોંગ્રેસના મોવડીમંડળમાં જ અનેક મતમતાંતર છે.