કાશ્મીરની સમસ્યાનો ઉકેલ આવીને રહેશે, કોઇ તાકાત રોકી નહી શકેઃ રાજનાથ સિંહ
abpasmita.in | 20 Jul 2019 08:44 PM (IST)
કેન્દ્ર સરકારના કડક વલણને સ્પષ્ટ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, જો કોઇ વાતચીતથી ઉકેલ ઇચ્છતું નથી તો પછી અમને ખ્યાલ છે કે સ્થિતિને કેવી રીતે સંભાળવી જોઇએ.
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર કહ્યુ કે રાજ્યની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે અને વિશ્વની કોઇ તાકાત તેને રોકી શકતી નથી. એટલું જ નહી કેન્દ્ર સરકારના કડક વલણને સ્પષ્ટ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, જો કોઇ વાતચીતથી ઉકેલ ઇચ્છતું નથી તો પછી અમને ખ્યાલ છે કે સ્થિતિને કેવી રીતે સંભાળવી જોઇએ. કાશ્મીરમાં આતંકવાદના મુદ્દા પર મીડિયાના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે, જે રીતે આતંકવાદના મુદ્દા પર તમામ દેશો એક સાથે આવી રહ્યા છે તેનાથી કાશ્મીર સહિત આખી દુનિયાને આતંકવાદથી મુક્તિ મળી શકશે. તેમણે કહ્યું કે દેશવાસીઓએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને જવાનોના શૌર્ય પર વિશ્વાસ રાખવો જોઇએ. રાજ્યમાં અલગતાવાદીઓ સાથે વાતચીત કરવાના સરકારના પ્રયાસોને લઇને રાજનાથ સિંહે કહ્યું કે, અમારે જેટલો પ્રયત્ન કરવો જોઇતો હતો અમે કરી લીધો છે. કાશ્મીરમાં જે લોકો આંદોલન ચલાવી રહ્યા છે તેઓ આ મારફતે સમાધાન ઇચ્છે છે તો હું તેમને અપીલ કરું છું કે તેઓ વાતચીત કરે. આખરે સમજી શકાય કે આખરે સમસ્યા શું છે અને ત્યારબાદ તેના ઉકેલના પ્રયત્નો કરવામાં આવશે.