કૉંગ્રેસ પાર્ટીએ આગામી કેરળ વિધાનસભા ચૂંટણી માટે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સની જોસેફને પેરાવૂર બેઠક પરથી,  વીડી સતીસનને પરવુરથી, પુથુપ્પલ્લીથી ઓમાન ચાંડીને ટિકિટ આપી છે.  રમેશ ચેન્નીથલાને હરિપદથી, રામ્યા હરિદાસને ચિરયિનકીઝુ અને  કે મુરલીધરનને વટ્ટીયૂરકાવુથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

મનન્થાવડીથી ઉષા વિજયનને ટિકિટ આપવામાં આવી છે. નદાપુરમથી કે.એમ. અભિજિત, બલુસ્સેરી-એસસીથી વીટી સૂરજ અને ઈલાથુરથી વિદ્યા બાલકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

સોમવારે ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી

ભારતીય જનતા પાર્ટીએ આગામી કેરળ વિધાનસભા ચૂંટણી માટે 47 ઉમેદવારોની પ્રથમ યાદી 16 માર્ચ (સોમવારે) જાહેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ બે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓને પણ ટિકિટ આપી છે. તેમાં રાજીવ ચંદ્રશેખરનો સમાવેશ થાય છે, જે નેમમથી ચૂંટણી લડશે. બીજું નામ વી. મુરલીધરન છે જે કઝાકૂટમથી ચૂંટણી લડશે. પાર્ટીએ મંજેશ્વર મતવિસ્તારમાંથી કે. ચંદ્રશેખરનને પણ ઉમેદવાર બનાવ્યા છે. નવ્યા હરિદાસને કોઝિકોડ ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે.

કેરળમાં ચૂંટણી ક્યારે યોજાશે?

કેરળમાં મતદાન એક તબક્કામાં થશે. ચૂંટણીનું જાહેરનામું 16 માર્ચે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 23 માર્ચ, 2026  સુધી ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. 24 માર્ચે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 26 માર્ચ સુધી પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. કેરળમાં 9 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

નવ્યા હરિદાસને કોઝિકોડ ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. નવ્યા ભાજપ મહિલા મોરચાના નેતા છે. તેમણે 2024 માં કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી હતી. રાહુલ ગાંધીએ બેઠક ખાલી કર્યા બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. 

સીપીઆઈ(એમ) એ 81 ઉમેદવારોની જાહેરાત કરી

રવિવારે અગાઉ, સીપીઆઈ(એમ) એ કેરળ વિધાનસભા ચૂંટણી માટે 81 ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને 11 મંત્રીઓનો સમાવેશ થાય છે. સીપીઆઈ(એમ) ના રાજ્ય સચિવ એમ.વી. ગોવિંદને જણાવ્યું હતું કે 81 ઉમેદવારોમાંથી છ પક્ષ સમર્થિત અપક્ષ છે. કોડુવલ્લી, કોટ્ટક્કલ, કોન્ડોટ્ટી, તિરુર અને પલક્કડ આ પાંચ મતવિસ્તારો માટે અપક્ષ ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. છપ્પન વર્તમાન ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે.