Kerala local body election 2025: કેરળની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરના ગઢમાં ગાબડું પાડ્યું છે. ભાજપની આ જીત સાથે ડાબેરી પક્ષ (LDF) નું 45 વર્ષનું શાસન ખતમ થયું છે. આ પરિણામો બાદ ખુદ તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે રાજકીય સૌજન્ય દાખવતા ભાજપને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને જનતાના ચુકાદાને સ્વીકાર્યો છે.

Continues below advertisement

કેરળમાં યુડીએફ આગળ, પણ પાટનગરમાં ભાજપનો દબદબો

કેરળમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. એક તરફ રાજ્યભરમાં કોંગ્રેસ નેતૃત્વવાળા યુડીએફ (UDF) એ લીડ મેળવી છે, તો બીજી તરફ રાજધાની તિરુવનંતપુરમમાં ભાજપે (NDA) કમાલ કરી બતાવી છે. છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી અહીં સત્તા ભોગવતા એલડીએફ (LDF) પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે. આ પરિણામો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સ્થાનિક સાંસદ શશી થરૂરે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Continues below advertisement

શશી થરૂરે ઈન્સ્ટાગ્રામ પર પાઠવ્યા અભિનંદન

શશી થરૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને રાજ્યભરમાં યુડીએફના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અદભૂત છે. જનતાનો આદેશ સ્પષ્ટ છે અને તે લોકશાહીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સખત મહેનત અને સત્તા વિરોધી લહેરને કારણે 2020 ની સરખામણીએ આ વખતે યુડીએફને વધુ સારા પરિણામો મળ્યા છે. આ વિધાનસભા ચૂંટણી પહેલાના શુભ સંકેતો છે."

‘તિરુવનંતપુરમમાં ભાજપનું પ્રદર્શન ઐતિહાસિક’

જોકે, થરૂરની પોસ્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત ભાજપ માટેની તેમની ટિપ્પણી હતી. પોતાના જ મતવિસ્તારની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધી પક્ષની જીતને તેમણે ખેલદિલીથી સ્વીકારી હતી. થરૂરે લખ્યું, "હું તિરુવનંતપુરમમાં ભાજપના ઐતિહાસિક પ્રદર્શનની નોંધ લઉં છું અને કોર્પોરેશનમાં તેમની શાનદાર જીત બદલ તેમને નમ્રતાપૂર્વક અભિનંદન પાઠવું છું. આ જીત રાજધાનીના રાજકીય લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન દર્શાવે છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મેં LDF ના 45 વર્ષના કુશાસન સામે પરિવર્તન માટે પ્રચાર કર્યો હતો, પરંતુ મતદારોએ પરિવર્તન માટે બીજા પક્ષ (ભાજપ) ને પસંદ કર્યો છે. લોકશાહીની આ જ સુંદરતા છે. લોકોનો નિર્ણય શિરોમાન્ય છે, પછી ભલે તે UDF માટે હોય કે મારા મતવિસ્તારમાં ભાજપ માટે હોય. અમે લોકોની જરૂરિયાતો માટે અવાજ ઉઠાવવાનું અને સુશાસનના સિદ્ધાંતો માટે કામ કરવાનું ચાલુ રાખીશું."

કોના ફાળે કેટલી બેઠકો?

ચૂંટણી પંચના આંકડા મુજબ, કેરળના કુલ 5 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 4 પર કોંગ્રેસ નેતૃત્વવાળા UDF એ જીત મેળવી છે, જ્યારે 1 (તિરુવનંતપુરમ) પર NDA નો વિજય થયો છે. મ્યુનિસિપલ કાઉન્સિલોની વાત કરીએ તો UDF એ 54, LDF એ 28 અને NDA એ 1 સીટ જીતી છે. જ્યારે જિલ્લા પંચાયતોમાં LDF અને UDF વચ્ચે કાંટાની ટક્કર રહી હતી, જેમાં બંનેને 7-7 બેઠકો મળી છે.