Khalistani threat to PM Modi: કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 સમિટ દરમિયાન 'ખતમ' કરવાની ધમકી આપવામાં આવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. કેનેડા, યુએસ, યુકે અને ન્યુઝીલેન્ડમાં ખાલિસ્તાની પ્રદર્શનોનું દસ્તાવેજીકરણ કરતા તપાસ પત્રકાર મોચા બેઝીરગને આ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, વાનકુવરમાં એક સાપ્તાહિક રેલી દરમિયાન વીડિયો બનાવતી વખતે ખાલિસ્તાન સમર્થકોના ટોળાએ તેમને ઘેરી લીધા, ધમકાવ્યા અને તેમનો ફોન પણ છીનવી લીધો હતો.
પત્રકાર સાથે ગેરવર્તણૂક અને ધમકી
રવિવાર (૮ જૂન, ૨૦૨૫) ના રોજ સમાચાર એજન્સી ANI સાથે ફોન પર વાત કરતા બેઝીરગને જણાવ્યું કે, "આ ઘટના મારી સાથે બે કલાક પહેલા બની હતી અને હું હજુ પણ ધ્રૂજી રહ્યો છું. તેઓ ગુંડાઓની જેમ વર્તે છે. તેઓ મારો પીછો કરે છે અને મારો ફોન છીનવી લે છે. તેઓએ મને રેકોર્ડિંગ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો."
તેમણે ઉમેર્યું કે, અચાનક બે-ત્રણ લોકો તેમની સામે આવ્યા. તેમણે પોતાના ફોન પર બેકઅપ રેકોર્ડિંગ શરૂ કર્યું, ત્યારે તેમાંથી એકે તેમના હાથમાંથી ફોન છીનવી લીધો. જોકે, નજીકમાં હાજર વાનકુવર પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરી અને તેમને પાછા ફરવાનો આદેશ આપ્યો, ત્યારબાદ બેઝીરગને નિવેદન પણ નોંધાવ્યું.
PM મોદીને ધમકી અને હિંસાનો મહિમા
બેઝીરગને ANI ને વધુમાં જણાવ્યું કે, કેનેડા અને ભારત વચ્ચે તણાવનું કારણ એક રાજકીય મુદ્દો છે, પરંતુ ભૂગર્ભમાં શું થઈ રહ્યું છે તેની અવગણના ન કરી શકાય. તેમણે કહ્યું કે, "આ લોકો શું કહી રહ્યા છે, તેઓ કેવી રીતે તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે તેઓ ઇન્દિરા ગાંધીના હત્યારાઓની ઉજવણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ G-7 માં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણનો અંત લાવશે."
પત્રકારે ખાલિસ્તાન સમર્થકોને સીધો પ્રશ્ન પૂછ્યો કે, "શું તમે તેમની રાજનીતિનો એ જ રીતે અંત લાવવાના છો જે રીતે તમે ઇન્દિરા ગાંધીના રાજકારણનો અંત લાવ્યો હતો? કારણ કે તેઓ હત્યારાઓને તેમના પૂર્વજો કહે છે. તેઓ કહે છે કે અમે ઇન્દિરા ગાંધીના હત્યારાઓના વંશજ છીએ અને તેઓ હિંસાના આ કૃત્યોનો મહિમા કરી રહ્યા છે."
બેઝીરગને જણાવ્યું કે, રવિવારે તેમને ધમકી આપનાર ટોળાનું નેતૃત્વ એક આંદોલનકારી દ્વારા કરવામાં આવ્યું હતું જેણે અગાઉ તેમને ઓનલાઇન પણ હેરાન કર્યા હતા. આ ઘટનાઓ કેનેડામાં વધતી ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અને તેની ભારત-કેનેડા સંબંધો પર સંભવિત અસર અંગે ચિંતા વધારી રહી છે.